રાજ્યમાં હવે વયોવૃદ્ધ સિનિયર સિટિઝનને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાતે સીનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરવા માટે રાજ્યસરકારે નિર્દેશ આપ્યા છે. આ માટે સીનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા કરવાની રહેશે તેનો લાભ રાજ્યનાં 1 કરોડ કરતા વધારે કર્મચારીઓને મળશે.
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડાયેલા પરિપત્ર અનુસાર વયોવૃદ્ધ વ્યક્તિઓ કે જેમની ઉંમર 60 વર્ષથી વધારે હોય તેમને રાજ્યની તમામ હોસ્પિટલો, મેડિકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર્સમાં સુવિધાઓ આપવી પડશે. ઓપીડી, કેસબારી, ફિઝિયોથેરાપી સેન્ટર, લેબોરેટરી સહિત જ્યાં પણ લાઇનમાં ઉભુ રહેવું પડે તેવી તમામ જગ્યાએ વૃદ્ધો માટે અલગથી વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત મેડિકલ અને સંલગ્ન કોલેજો હોસ્પિટલો, મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ સહિત તમામ સરકારી આરોગ્ય મશીનરીમાં વૃદ્ધ માટે આરક્ષીત કરાશે અથવા તો અલાયદો વોર્ડ બનાવવો પડશે. આ અંગેના અલગથી સાઇન બોર્ડ પણ બનાવવા પડશે. નિરાધાર વયોવૃદ્ધને સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચલાવાતી 24*7 એલ્ડર હેલ્પલાઇન 14567 નો સંપર્ક કરવાનો રહેશે. આ હેલ્પલાઇન પર સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપનનાની કામગીરી અંગેની માહિતી અને મદદ મળી રહેશે.
