Ahmedabad News/ અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

માળખાગત સુવિધાના અભાવથી વધુ ટેક્સ આપવા છતાં શહેરીજનો ચોમાસામાં રાહત મેળવી શકતા નથી……….

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તાર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યો છે. એક બાજુ પશ્ચિમ શહેરને દિલ્હી, મુંબઈ જેવો વૈભવી બનાવવામાં આવે છે તો એ જ વિસ્તારને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. સામાન્ય વરસાદથી રસ્તાઓ પર ભુવા પડીગયા છે, કેટલાય રોડનું ધોવાણ થઈ ગયું છે. માળખાગત સુવિધાના અભાવથી વધુ ટેક્સ આપવા છતાં શહેરીજનો ચોમાસામાં રાહત મેળવી શકતા નથી. ત્યારે ગઈકાલે  અમદાવાદમાં તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંગ રોડ પરની બીજી તરફ આવેલા સનાથલ, શેલા, બોપલ-ઘુમા અને શીલજમાં લાખો લોકો રહે છે. આ વિસ્તાર છેલ્લા બે મહિનાથી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે હેરાન થઈ ગયા છે.

એક રિપોર્ટમાં જણાવાયું છે કે કરોડો રૂપિયાના ઘરોમાં રહેતા લોકોને ગટરની દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.આ ઉપરાંત રોડ બંધ હોવાથી એક કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. છેલ્લા એક મહિનાથી રોડનું કામ ચાલી રહ્યું છે તેના કારણે એક જ તરફનો રોડ ચાલુ રાખવાથી ધૂળ ઉડવાના કારણે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે.તેની સાથે સાથે બ્રિજની કામગીરીના પગલે પણ ટ્રાફિકનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

એપલવૂડ ટાઉનશીપ અને સ્વાતિ ટ્રીનીટી નામની બે બિલ્ડિંગ આવેલી છે. તેની નજીકમાં જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે, બંને બિલ્ડીંગની બહાર ગટરનું ગંદુ પાણી જોવા મળ્યું હતું અને ગંદકી જોવા મળી હતી. થોડા દિવસ અગાઉ પડેલા ભારે વરસાદમાં શેલાના ક્લબ ઓ સેવન રોડ પર ઓર્ચિડ સ્કાય નજીક એક મોટો ભુવો પડ્યો હતો. આ મોટા રોડના બ્રેકડાઉન થવાના કારણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)દ્વારા ત્યાં મુખ્ય ગટર લાઈનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે 45 દિવસ માટે રોડ બંધ કરી દેવાયો છે.

VIP રોડ પર છેલ્લા એક મહિનાથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે. એક જ તરફનો રોડ ચાલુ હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉથ બોપલના લોકોને એસ.જી હાઇવે તરફ જવું હોય તો તેઓ VIP રોડનો ઉપયોગ કરે છે ત્યારે આ રોડ ઉપરથી અવરજવર માટે લોકોને તકલીફ પડી રહી છે. વીઆઈપી રોડથી કલબ ઓ સેવન તરફ જવાનું આ રોડ ઉપર પણ એક તરફના રોડની કામગીરી ચાલી રહી છે. જેથી ત્યાંથી પણ લોકોને પસાર થવા માટે એક જ તરફના રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી ખોદકામના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસપી રિંગ રોડ પર ઓવરબ્રિજની કામગીરી મંથરગતિએ કરવામાં આવી રહી છે. શીલજ સર્કલ પાસે ખૂબ જ ટ્રાફિકજામ થઈ જાય છે. જે લોકોને રિંગરોડ પરથી શીલજ બાજુ નીચેની તરફ જવું છે ત્યાં પણ સર્વિસ રોડ પર બ્રિજની કામગીરી ચાલી રહી છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે.  બોપલ-ઘુમા અને શીલજ સહિતનો વિસ્તાર છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતો હોવા છતાં ડ્રેનેજ, રોડ અને પાણીની લાઈનની યોગ્ય માળખું તૈયાર કરવામાં આવ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યો

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં