Not Set/ ગુજરાતની 10879 ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો આજથી શુભારંભ

ગામોમાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો આગામી 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે

Gujarat

તાજેતરમાં જ ચૂંટણીપંચ દ્વારા રાજ્યના 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. જે બાદ આજથી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાની વિધીવત શરૂઆત થઈ ગઈ છે. જેમાં ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો આજથી ફોર્મ ફરવાનું શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર સુધી છે.

29 નવેમ્બરથી વિધીવત ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ફોર્મ ભરવાનું પણ શરૂ કરશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ થશે. જો કે, સમરસ ગ્રામ પંચાયતમાં માહોલ શાંત રહેશે. અહીં કોઈ ચૂંટણી નહીં થાય. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. તેમજ 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી માટે મતદાન થશે. પરંતુ જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર જેટલા મતદારો મતદાન કરી શકે છે. ઉપરાંત જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.

આ વખતે કોરોના ગાઇડલાઇન પ્રમાણે EVMના સ્થાને બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા પણ મંજૂરી અપાઇ છે. આ ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુર્ણ કરવામાં આવશે.