New Delhi: નરેન્દ્ર મોદી 9 જૂન 2024(આજે)ના રોજ સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જોકે, તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. NDA સરકારના શપથ ગ્રહણ માટે શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં દિવસભર તૈયારીઓ ચાલુ રહી હતી. ઈન્ડિયા ગેટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસ સુરક્ષા તૈયારીમાં વ્યસ્ત છે. રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસ કંટ્રોલ એરિયા બનાવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખી 9 અને 10 જૂન દિલ્હીમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પીએમની સુરક્ષા માટે સુરક્ષાદળો, એસપીજી, રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ, આઈટીબીપી, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, દિલ્હી પોલીસ સહિતના દળો હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ સિવાય NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ પણ તૈનાત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં ઘણા વિદેશી મહેમાનો પણ હાજરી આપશે. આવી સ્થિતિમાં સમગ્ર રાજધાની હાઈ એલર્ટ પર રહેશે. વિદેશી મહેમાનોની સુરક્ષાની જવાબદારી પણ ગુપ્તચર એજન્સીઓના ખભા પર રહેશે. દરેક રાજ્યના વડાના પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત જે હોટલોમાં વિદેશી મહેમાનો રોકાશે તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સંસદ માર્ગ, રફી માર્ગ, રાયસીના રોડ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મધર ટેરેસા ક્રેસન્ટ, રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સરદાર પટેલ માર્ગ પરના કાર્યક્રમ દરમિયાન માત્ર તે જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે જેમની પાસે પાસ હશે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પર 500થી વધુ CCTV દ્વારા નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: 13મી અને પિંડ દાન પછી પિતા જીવતા મળ્યા, પુત્ર 1600 કિલોમીટરથી દોડી આવ્યો
આ પણ વાંચો: 14 જૂન સુધી 14 ટ્રેનો થશે કેન્સલ! 50 ટ્રેનને અસર થશે, આ રહ્યું લિસ્ટ
