મિશન મિલીયન ટ્રી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરંભેલા “મિશન મિલીયન ટ્રી” અભિયાનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,સમયની માંગ આધારિત ટકાઉ વિકાસ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણની સુપેરે કામગીરી કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક સંદેશો આપવામાં આવી રહ્યો છે. મુખ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, સરકાર દ્વારા પણ રાજ્યભરમાં ૧૦ કરોડ જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે.
પાંચ વર્ષના સુશાસનના….. પાંચ વર્ષ સૌના સાથ, સૌનો વિકાસ સંદર્ભે આરંભેલા નવ દિવસના સેવાયજ્ઞના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ શહેરમાં આજે “શહેરી જન સુખાકારી દિવસ”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર સ્થિત સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ સ્મૃતિ વનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનની નેમ વ્યક્ત કરી હતી.
મિશન મિલીયન ટ્રી દરમિયાન તેમણે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત અને ક્લીન ગુજરાતના લક્ષ્ય ભણી ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે. આવનારી પેઢીને વારસામાં કઇ આપવા માટે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે. છે માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન,વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ પાણી સ્વચ્છ પર્યાવરણ અને પ્રદુષણ મુક્ત શહેર બને તે પ્રકારનું સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપન હાથ ધરાયું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરના ગોતા સ્થિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
“મિયાવાકી” વન એટલે શું ?
“મિયાવાકી” પધ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જો તેમાં માટીના કણ નાના હોય, તો તે સખત બની ગયેલી હોય છે, જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી જેમકે બગાસી, શેરડી અથવા નારિયળના ભુસાનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે.
છોડને વધવા માટે પાણી, સૂર્યપ્રકાશ અને પોષકતત્વોની જરૂર હોય છે. જો માટીમાં પોષક તત્વો ન હોય તો તેમાં કૃત્રિમ રીતે પોષકતત્વો ઉમેરવામાં આવતા નથી કેમકે તે પ્રકૃતિ વિરુદ્ધ છે. અલબત્ત તેમાં સુક્ષ્મજીવો ઉમેરવામાં આવે છે. જે જમીનમાં મિશ્રિત જૈવિક કચરાને ખાઈને જરૂરી પોષકતત્વો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે.આ પ્રક્રિયા દરમિયાન સુક્ષ્મજીવોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો જાય છે અને જમીન પુનર્જીવિત થઇ જાય છે.
ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઉંચાઈ અનુસાર ૪ સ્તરમાં વહેંચવામાં આવે છે: ઝાડીઓ, નાના વૃક્ષો, મોટા વૃક્ષો તથા વિશાળ વૃક્ષો. એકજ સ્તરના વૃક્ષોને એક બીજા પાસે વાવવામાં આવતા નથી. દરેક પ્રકારના વૃક્ષ નક્કી કરેલી ટકાવારી પ્રમાણે વાવવામાં આવે છે. જો ફળ ફળાદિનું વન બનાવવું હોય, તો તેમાં ફળદાયી વૃક્ષોની ટકાવારી વધારી દેવામાં આવે છે. તેજ રીતે પક્ષીઓ અને મધમાખીઓને આકર્ષનારું તથા એક સામાન્ય સ્થાનિક જંગલ પણ બનાવી શકાય છે.
શરૂઆતમાં રોપા વાવીને લીલા ઘાસનું પાતળું સ્તર પાથરી દેવામાં આવે છે જેથી ગરમીમાં ભેજ જળવાઈ રહે અને જો હિમવર્ષા થતી હોય તો બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ જામે. ભેજને લીધે જમીન નરમ હોવાથી, મૂળ જમીનમાં સરળતા થી તથા ઝડપથી પ્રસરી શકે છે. શરૂઆતમાં, જંગલની વૃદ્ધિ દેખાતી નથી કેમકે તે જમીનની અંદર વધતું હોય છે. પહેલા ત્રણેક મહિનામાં મુળ ૧ મીટર જેટલા ઉંડા પહોચી જાળીદાર રચના બનાવીને માટીને ચુસ્તરીતે પકડી રાખે છે. મૂળની જાળમાં રહેલા સૂક્ષ્મજીવો તથા ફૂગ, જરૂરી પોષકતત્વો પુરા પાડે છે.
એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોના વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે, જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંદ થઇ જાય છે. આ સ્તરે, જંગલ પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે.
હવે, જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે તો તે તરતજ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે.
જો વૃક્ષોને અલગ-અલગ રીતે વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે. મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આજે કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા, ભારત તથા દુનિયાના અલગ-અલગ દેશોમાં નાના મોટા જંગલો ઉગાડવામાં આવી રહ્યા છે. વિકાસ અને ઔદ્યોગીકરણ થતાં નષ્ટ થઇ રહેલા જંગલોને લીધે પર્યાવરણમાં ઘણા મોટા ફેરફારો થઇ રહ્યા છે જે ચિંતાનો વિષય હોઈ પુનઃવનીકરણ ખુબજ જરૂરી બન્યું છે.
રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી
રસીકરણ / શું Cavaxin અને Covishield વેક્સીનની મિશ્ર માત્રા લેવી સલામત છે?