ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસથી જૂની શનિવારી બજાર નજીક તાપી નદીના કિનારા પર કેટલાક ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જો કે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે અને કોઝવે 9.46 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા તાપીનદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી નદી બે કાંઠે થતા કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ તાપી નદીના કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની નજીવી અસર દેખાવાની પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે, સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કિલ્લાની પાછળના ભાગમાં જૂની શનિવારી બજારમાં કેટલાક ઝુંપડાઓ તાપી નદીમાં પાણીની આવક વધતા પાણીમાં ગરકાવ થયા છે. છેલ્લા ત્રણ દિવસથી આ ઝુંપડાઓ પાણીમાં ગરકાવ થતા લોકો પણ ચિંતિત છે. લોકોની ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે.
ઉકાઈ ડેમ રુલ લેવલ પાલ કરી ગયો છે. ઉપરવાસમાંથી પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરી 333.38 પર પહોંચી ગઈ છે અને ડેમની સપાટી જાળવી રાખવા માટે 1.99 લાખ થયું છે પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે અને તાપી નદીની સપાટી સુરત કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે. તો તકેદારીના ભાગરૂપે સુરતનો કોઝવે પણ છેલ્લા કેટલાક દિવસોથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચોમાસાની આ સિઝનમાં પહેલી વખત કોઝવેની સપાટી 9.46 મીટર પર પહોંચી છે.
