તહેવારોની મૌસમની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગમે ત્યારે વીજ સંકટ સર્જાઈ શકે છે. ગુજરાતમાં 20 વર્ષ બાદ પહેલીવાર વીજ સંકટ સર્જાય તેવી શકયતા વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉત્તર ગુજરાતના સરપંચોને જાણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોલસાની અછતને પગલે બપોરે વીજ કાપ રહેશે.
UGVCL દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રાજ્યમાં કોલસાની અછત પૂર્ણ નહિ થાય ત્યાં સુધી વીજકાપ યથાવત રહેશે. વીજકાપના પગલે છ જિલ્લાના ગામડાઓને અસર થશે. આ છ જિલ્લાઓમાં પાટનગર ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં બપોરના સમયે વીજકાપ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે UGVCL દ્વારા સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે પરંતુ આવનારા સમયમાં બાકીની વીજ કંપનીઓ પણ આ અંગેની જાણકારી આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર રાજ્યમાં કોલસાની અછતને પહોચી વળવા માટે જલ્દી કવાયત હાથ ધરી વીજ પુરવઠો ખોરવાતાં બચાવી શકાય તેવી વ્યવસ્થામાં લાગી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું સૂત્ર છે કે “ સર્વોત્તમ સર્વિસ દ્વારા ગ્રાહકોને સંતોષ આપવો” પરંતુ આ સુત્ર ક્યારેય સાર્થક થયું હોય તેવું લાગ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હોય કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર વીજ કંપનીની કામ કરવાની ક્ષમતામાં સહેજેય વધારો થયો નથી અને ગામડાની જનતાને વીજ કાપનો ભોગ બનવું પડતું હોય છે. અમદાવાદ શહેરમાં પણ ઘણી જગ્યાએ UGVCL ની સર્વિસ જોવા માટે મળે છે પરંતુ ત્યાં પણ ગમે ત્યારે વીજ જતી રહે તેવું નોંધાય છે.
નોંધનીય છે કે, દેશમાં 70% વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારિત છે. કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સથી 72 પાસે કોલસાને 3 દિવસથી પણ ઓછો સ્ટોક છે. જયારે 50 પાવર પ્લાન્ટ્સ એવા છે જ્યાં કોલસાનો 4થી 10 દિવસનો સ્ટોક બચેલો છે. 13 પ્લાન્ટ્સ જ એવા છે જ્યાં 10 દિવસથી વધુનો કોલસો બચેલો છે.
ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની પાછળનું મુખ્ય કારણ કોલસાના ઉત્પાદન અને આયાતમાં પડતી સમસ્યાઓ છે. ચોમાસાને કારણે કોલસાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેના ભાવ વધ્યા છે અને પરિવહનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે આવનારા સમયમાં દેશમાં વીજળીનું સંકટ આવી શકે છે.
