Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડોક્ટર યુવતીના કથિત લગ્નનું બનાવટી પ્રમાણપત્ર (Fake Marriage Certificate) રજૂ કરવાનો આરોપ લાગ્યો છે. યુવતી ગુમ થયા બાદ પરિવારને તેના કોર્ટ મેરેજની જાણ થઈ હતી. જોકે, લગ્ન પ્રમાણપત્રની સત્તાવાર ખરાઈ કરાવતા સંબંધિત કચેરીના રેકોર્ડમાં યુવક-યુવતીના લગ્નની કોઈ નોંધ મળી ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુવતીના પિતાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે ફૈઝલ દિવાનની ધરપકડ કરી છે. બીજી તરફ, યુવતીના પરિવાર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરવાની માગ કરવામાં આવી છે.
યુવતીએ પરિવારને ફોન કરી કહ્યું હતું- ‘કોર્ટ મેરેજ કરી લીધા છે’
પરિવારના જણાવ્યા મુજબ, BHMSનો અભ્યાસ કરેલી યુવતી વડોદરામાં રહીને ગોત્રીની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 7 મેના રોજ સાંજે તેણે પરિવારને ફોન કર્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે યુવતીએ ફોન પર કહ્યું હતું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને હવે તે ઘરે પરત નહીં આવે. તેણે પોતાની પાસે પરિવારનું આશરે છ તોલાનું સોનાનું મંગળસૂત્ર/હાર હોવાની વાત પણ કરી હતી અને બે મહિના બાદ પરત આપવાની વાત કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ઘરે પરત આવવા સમજાવી હતી. જોકે, તે પરિવારની વાત માની નહોતી.
11 મેના રોજ ગુમ થયાની ફરિયાદ
યુવતીનો પત્તો ન મળતા પરિવારે 11 મેના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત જંબુસર પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી હતી. દરમિયાન પરિવારને જાણ થઈ કે યુવતી કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન સાથે હોવાનો અને બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ સમક્ષ રજૂ કરાયેલા સર્ટિફિકેટ (Fake Marriage Certificate)ની ખરાઈ કરાવતા ચોંકાવનારી વિગતો
પરિવારના જણાવ્યા મુજબ, યુવકના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં કથિત લગ્નનું સર્ટિફિકેટ (Fake Marriage Certificate) રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારે આ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાના કુબેર ભવન ખાતે સબ-રજિસ્ટ્રાર તથા લગ્ન અધિકારીની કચેરીમાં રેકોર્ડની તપાસ કરાવવામાં આવી હતી. કચેરી દ્વારા 30 જૂનના રોજ લેખિતમાં જણાવાયું હોવાનું પરિવારનું કહેવું છે કે ઉપલબ્ધ રેકોર્ડ મુજબ યુવક અને યુવતીના નામે 16 જૂન સુધી કોઈ લગ્ન નોંધાયેલા નહોતા. તેમજ આ કચેરી દ્વારા આવું કોઈ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હોવાનું પણ જણાવાયું હતું. આ વિગતો સામે આવ્યા બાદ યુવતીના પિતાએ જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Fake Marriage Certificate: વકીલનો દાવો- વોટ્સએપ મારફતે પોલીસને સર્ટિફિકેટ મળ્યું
આ કેસમાં વકીલ ચેતન દેસાઈએ જણાવ્યું હતું કે પુખ્ત વયની ડોક્ટર યુવતી અન્ય ધર્મના યુવક સાથે ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા વિવિધ પોલીસ ફરિયાદો અને અરજીઓ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, 30 જૂન, 2026ના રોજ વોટ્સએપ મારફતે પોલીસને કથિત લગ્નનું સર્ટિફિકેટ (Fake Marriage Certificate) મળ્યું હતું. તેની તપાસ દરમિયાન સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી આવા લગ્નની કોઈ નોંધણી ન થઈ હોવાનું જણાવાયું હતું. હવે પોલીસ આ પ્રમાણપત્ર કોણે બનાવ્યું, તેમાં કોની મદદ હતી, સાક્ષીઓની સહી કેવી રીતે થઈ અને કથિત સિક્કા કે દસ્તાવેજ કોણે તૈયાર કર્યા સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.
માતાનો આક્ષેપ- ‘મારી દીકરીનું બ્રેનવોશ કરવામાં આવ્યું’
યુવતીની માતાએ ભાવુક થઈને યુવક અને તેના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. માતાના જણાવ્યા પ્રમાણે, યુવતીને વાતચીતના માધ્યમથી યુવકની નજીક લાવવામાં આવી અને ત્યારબાદ તે પરિવારથી દૂર થઈ ગઈ. માતાનો એવો પણ આક્ષેપ છે કે યુવતી ઘરેથી નીકળતી વખતે સોનાનો આશરે છ તોલાનો હાર પોતાની સાથે લઈ ગઈ હતી. પરિવાર સાથે સંપર્ક તૂટી ગયા બાદ લાંબા સમય સુધી તેનો ફોન બંધ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. માતાએ કહ્યું હતું કે યુવતીનું ‘બ્રેનવોશ’ કરવામાં આવ્યું હોવાની તેમને આશંકા છે અને તેને પરિવાર પાસે પરત લાવવામાં આવે તેવી તેમની માગ છે.
‘લવ જેહાદ’ના આક્ષેપો, SIT તપાસની માગ
યુવતીના પરિવાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ‘લવ જેહાદ’ના આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્યતા અંગે તપાસ અને સત્તાવાર પુરાવા સામે આવવાના બાકી છે. પરિવારનું કહેવું છે કે યુવતીને લાંબા સમયથી પરિવારથી દૂર રાખવામાં આવી છે અને તેની સાથે સીધો સંપર્ક પણ થઈ રહ્યો નથી. આથી સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
Fake Marriage Certificate: VHPએ પણ SITની રચનાની માગ કરી
વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહ-મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ પણ આ મામલે SITની રચના કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, આવા કિસ્સાઓમાં કથિત રીતે વિવિધ પ્રકારના લગ્ન પ્રમાણપત્રો (Fake Marriage Certificate) રજૂ થતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તેથી આવા દસ્તાવેજોની સઘન તપાસ થાય અને નકલી પ્રમાણપત્ર (Fake Marriage Certificate) પાછળ કોણ જવાબદાર છે તે શોધી કાઢવામાં આવે તે જરૂરી છે. તેમણે વધુમાં બોગસ દસ્તાવેજોના નેટવર્કની પણ તપાસ કરવાની માગ કરી છે.
Fake Marriage Certificate: હવે પોલીસ તપાસ પર સૌની નજર
હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસે ફૈઝલ દિવાન સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કથિત લગ્ન પ્રમાણપત્ર (Fake Marriage Certificate)ની હકીકત, દસ્તાવેજ કોણે તૈયાર કર્યો, તેમાં કોની સંડોવણી હતી અને યુવતી હાલ ક્યાં છે સહિતના સવાલોના જવાબ મેળવવામાં આવશે. આ કેસમાં પરિવાર દ્વારા કરવામાં આવેલા ‘લવ જેહાદ’ અને બ્રેનવોશના આક્ષેપોની પણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસની તપાસ અને સત્તાવાર કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો:હવે લગ્નનું પ્રમાણપત્ર બનાવતી વખતે દહેજની વિગતો આપવી પડશે, યુપી સરકારે જારી કર્યો આદેશ
