ભારતનાં પૂર્વ ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે સોમવારે કહ્યું કે એમણે દિલ્લી અને જીલ્લા ક્રિકેટ સંઘ (DDCA ) નાં હિતને ધ્યાનમાં રાખીને સંસ્થાની ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું આપ્યું છે.
વીરેન્દ્ર સહેવાગ સિવાય સમિતિનાં અન્ય સભ્યો આકાશ ચોપડા અને રાહુલ સંઘવીએ બોલિંગ કોચ તરીકે મનોજ પ્રભાકરને કાયમ રાખવાની ભલામણ કરી હતી પરંતુ એમને સ્વીકૃતિ મળી નહી.
ડીડીસીએનાં સુત્રો અનુસાર આ ત્રણેય સભ્યોનાં રાજીનામાને સ્વીકારી લેવામાં આવ્યા છે કારણકે રાજ્ય સંસ્થાને આગલા બે દિવસોમાં હાઈ કોર્ટનાં નિર્દેશ અનુસાર નવું સંવિધાન સોપવાનું છે. ત્યારબાદ નવી સમિતિ રચવાની જરૂર પડશે.
સહેવાગને જયારે પુછવામાં આવ્યું કે શું એમણે પ્રભાકરની નિયુક્તિ ન થવાને કારણે રાજીનામું આપ્યું છે, તો ક્રિકેટરે જવાબ આપ્યો હતો કે, ‘ અમે બધાં એક સાથે આવ્યા અને અમારો સમય આપ્યો અને મહેનત કરી જેથી ક્રિકેટ સમિતિના રૂપમાં અમે અમારી ફરજ બજાવીને દિલ્લી ક્રિકેટમાં સુધારો લાવવા માટે યોગદાન આપી શકીએ.’

વધુમાં એમણે જણાવ્યું કે, ‘જોકે દિલ્લી ક્રિકેટના સર્વ શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને અમે તમને જણાવી દેવા માંગીએ છીએ કે અમે ત્રણ અમારા દૈનિક જીવનનાં વ્યસ્ત કાર્યક્રમને કારણે ડીડીસીએ ક્રિકેટ સમિતિના કામને આગળ ધપાવી શકશું નહી.’
માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન ગૌતમ ગંભીર પ્રભાકરની નિયુક્તિની વિરુદ્ધ હતા કારણકે 2000 ના મેચ ફિક્સિંગ પ્રકરણમાં એમનું નામ આવ્યું હતું. ડીડીસીએના એક અધિકારીએ જણાવ્યું કે, ગૌતમ હમેંશા એ સિદ્ધાંત પર ચાલે છે કે દિલ્લીના ડ્રેસિંગરૂમમાં તેઓ કોઈ એવી વ્યક્તિને નથી ઇચ્છતા જે મેચ ફિક્સિંગ કે બીજા કોઈપણ પ્રકારનાં ખોટા કામમાં કોઇપણ રીતે જોડાયેલા હોય.
