Weather: ગુજરાતમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બેવડી ઋતુ (Doubled Season) રહેવાનું અનુમાન છે. હવામાન (Weather)માં પાછો પલટો આવતાં રાજકોટ અને ભુજમાં પારો 40 ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે રાત્રે ગાંધીનગર 19.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26 માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાન (Temperature)માં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) પહોંચશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે.
પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે, રાજ્યમાં હવામાન 1 એપ્રિલ સુધી વાદળછાયું (Cloudy weather) રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, 29 માર્ચથી 1 એપ્રિલ સુધી, રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે 10 મીમી એટલે કે અડધા ઇંચથી ઓછો માવઠું પડવાની શક્યતા છે. આગામી 4-5 દિવસમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત, આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
તો બીજી બાજુ અન્ય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ઘણા રાજ્યમાં વાવાઝોડા (Cyclone) અને વરસાદને કારણે હવામાન આહલાદક જોવા મળ્યું છે. IMDએ ચેતવણી જારી કરી છે કે આગામી 2-3 દિવસમાં દેશના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધશે. જોકે, કેટલાક રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં, આંધ્રપ્રદેશના અનંતપુરમાં સૌથી વધુ 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાકમાં ઓડિશા અને કેરળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ (Rain) પડ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં કરા પડ્યા હતા. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં ભારે પવન અને તોફાનને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. આગામી 3-4 દિવસમાં દેશના મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 3-5 ડિગ્રી વધશે.
24 માર્ચે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, મણિપુર, ત્રિપુરામાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 25 માર્ચે તમિલનાડુ અને કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ (Thunderstorm) પડવાની ચેતવણી આપવામાં આવી છે. 26 માર્ચે જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મોટાભાગના જીલ્લામાં 1થી 2 ડિગ્રી તાપમાન ઊંચકાયું છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું, રાજકોટમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન, ભુજ અને નલિયામાં તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી, મહુવા અને કેશોદમાં તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે.