દેશમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ અભિયંતા દિવસ એટલે કે એન્જીનીયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ખાસ ભારતના મહાન અભિયંતા અને ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો. એમ.વિશ્વેશ્વરૈયા ભારતના મહાન એન્જીનીયર્સમાંના એક હતા, તેમણે ભારતને વધુ આધુનિક બનવવા માટે યોગદાન આપ્યું હતું.
ભારત સરકારે એમ.વિશ્વેશ્વરૈયાના જન્મદિવસને વર્ષ 1968માં અભિયંતા દિવસ જાહેર કર્યો હતો. 15 સપ્ટેમ્બર,1860ના રોજ એમ.વિશ્વેશ્વરૈયાનો જન્મ કર્ણાટકના કોલાર જિલ્લામાં થયો હતો. ડો. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાના માર્ગદર્શન હેઠળ દેશમાં ઘણા ડેમ બાંધવામાં આવ્યા હતા. જેમાં કૃષ્ણરાજ સાગર,પુણેમાં ખડકવાસલા જળાશય અને ગ્વાલિયરમાં તિગરા ડેમ બાંધ્યો હતો. આ ઉપરાંત હૈદરાબાદ શહેરની ડીઝાઈનનો શ્રેય એમ.વિશ્વેશ્વરૈયાને જાય છે. તેમણે પુરથી રક્ષણ મેળવી શકાય તેવી સુરક્ષા સિસ્ટમને પણ વિકસિત કરી હતી. ખાડીથી લઈને વિશાખાપટ્ટનમ બંદર સુધીની સુરક્ષા માટે ખાસ તેમણે એક યોજનાનું નિર્માણ કર્યું હતું.
એમ.વિશ્વેશ્વરૈયાને આધુનિક મૈસુર સ્ટેટના જનક પણ કહેવામાં આવે છે. મૈસુર સરકાર સાથે મળીને તેમણે ઘણા કારખાના અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું. જેમાં મૈસુર સાબુ ફેક્ટરી, મૈસુર આયર્ન એન્ડ સ્ટીલ ફેક્ટરી, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, મૈસુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જીનીયરીંગની સ્થાપના કરી છે.
અભિયંતા દિવસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ મનાવવામાં આવે છે. આર્જેન્ટીનામાં 16 જુનના રોજ, બાંગ્લાદેશમાં સાત મે, ઇટલીમાં 15 જુનના રોજ, તુર્કીમાં પાંચ ડીસેમ્બરે, ઈરાનમાં 24 ફેબ્રુઆરીના રોજ, બેલ્જિયમમાં 20 માર્ચના રોજ અને રોમાનિયામાં 14 સપ્ટેમ્બરના રોજ બનાવવામાં આવે છે. આ પાછળનો મુખ્ય શ્રેય દુનિયાભરના એન્જીનીયરોને પ્રોત્સાહન મળે અને દેશ તથા દુનિયાને તકનીકી મદદથી વધુ સારી રીતે આગળ લઇ જવા માટે મદદ મળે.
