મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ગરબા પંડાલમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે એ લોકોએ કોઈ ગુનો કર્યો નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગરબા પંડાલના આયોજકો અને પોલીસ સાથે તેમની દલીલ થઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્દોર ઝોન-4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ આરકે સિંહે કહ્યું કે બજરંગ દળના સભ્યો વિરુદ્ધ ફરિયાદનો પણ કોઈ અહેવાલ નથી અને ગરબા પંડાલમાં હાજર લોકોના ઓળખ પત્રો તપાસવાનો કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ આર.કે.સિંઘે જણાવ્યું હતું કે વર્ષમાં અવારનવાર આવા કાર્યક્રમો યોજાતા હોય છે. ન્યાયી કાર્યવાહી કરવી પોલીસની ફરજ છે. બજરંગ દળ તરફથી કોઈ ફરિયાદ મળી નથી, માત્ર આયોજકોએ ફરિયાદ કરી હતી.
નોંધનીય છે કે સોમવારે (3 ઓક્ટોબર), બજરંગ દળના માણસોએ ઉજ્જૈનમાં ત્રણ મુસ્લિમ યુવકોને કથિત રીતે માર માર્યો અને તેમને પોલીસને હવાલે કર્યા. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. યુવકો પર પંડાલમાં મહિલાઓનો વીડિયો બનાવવાનો આરોપ હતો.
જયારે બીજી બાજુ મુસ્લિમ યુવકે આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમનો પંડાલમાં પ્રવેશવાનો ઈરાદો પણ નહોતો. 19 વર્ષીય કૈફે કહ્યું કે બાઇકમાં પેટ્રોલ સમાપ્ત થવાને કારણે તે રસ્તા પર રોકાયો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. કૈફે કહ્યું કે તેણે ગરબા પ્રોગ્રામમાં જવાનો પ્રયાસ પણ કર્યો નથી. કૈફે વધુમાં જણાવ્યું કે, બજરંગ દળના આઠ-દસ સભ્યોએ તેમને ઘેરી લીધા અને વીડિયો બનાવવાનો આરોપ લગાવીને માર મારવાનું શરૂ કર્યું. તેઓએ મોબાઈલ ફોન પણ ચેક કર્યા પરંતુ કંઈ મળ્યું ન હતું. તેણે કહ્યું કે તેનો એક મિત્ર હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે અને તેણે બજરંગ દળ વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઈન્દોરના રહેવાસી અબ્દુલે કહ્યું કે મુખ્ય માર્ગ પર પંડાલની આસપાસ લોકોના ઓળખ કાર્ડની તપાસ કરવામાં આવી રહી છે. લોકો ત્યાં જવાનું રોકી શકતા નથી. આ વર્ષે ઓળખ કાર્ડની તપાસ કરવામાં આવી રહી છે, અગાઉ ક્યારેય નહીં. તેણે કહ્યું હતું કે, અગાઉ અમે વર્ષો સુધી ગરબામાં જતા હતા, કોઈને કોઈ તકલીફ ન હતી.
આયોજકોનો આરોપ છે કે બજરંગ દળના માણસો મુસ્લિમોને હેરાન કરે છે અને તેમને પોલીસને હવાલે કરે છે. તેમણે કહ્યું, “એવું ન થવું જોઈએ, ગરબા પંડાલો બધા માટે ખુલ્લા છે.” આયોજકોએ એમ પણ કહ્યું કે મહિલાઓએ ફરિયાદ કરી નથી.
બજરંગ દળની બચાવ વૃતિ
બજરંગ દળે કહ્યું, “લવ જેહાદ માટે આવેલા 14 મુસ્લિમોને ગરબા પંડાલમાંથી પકડવામાં આવ્યા હતા. અમે તહેવારમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકોને પકડ્યા. અમે બિન-હિન્દુઓને ગરબા કાર્યક્રમમાં ન આવવા ચેતવણી આપી છે.
બજરંગ દળની એક મહિલા સદસ્યએ મુસ્લિમ યુવકો પર છોકરીઓનો હાથ પકડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમે પણ ભાઈચારો ઈચ્છીએ છીએ. તેઓ તેમના પરિવાર સાથે કેમ નથી આવતા? તહેવારો ઉજવવા આવે તો તેઓ પોતાની ઓળખ કેમ છુપાવે છે? મુસ્લિમો તેમના પરિવાર સાથે આવે તો અમને કોઈ વાંધો નથી. બજરંગ દળ હિંસા શરૂ કરતું નથી પરંતુ જો મહિલાઓને જોખમ હશે તો અમે પગલાં લઈશું.
