ખાંડીયા ગામે રહેતા યુવાનનું મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મૃત યુવાનના પરિવારે યુવાનને ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવાને આત્મહત્યા કરી કે હત્યા થઈ? તે રહસ્ય અકબંધ રહ્યું છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતો જીવાભાઈ મેળજીયાનો પરિવાર બહારગામ ગયો હતો. મંગળવારે જીવાભાઈનો દિવ્યાંગ પુત્ર દશરથ મેળજીયા કૌટુંબિક દાદાના ઘરે રાત્રે ભોજન કરી ઘરે સુવા ગયો હતો. સવારે દશરથ જાગીને દાદાને ઘરે આવ્યો નહીં માટે દશરથને જગાડવા કૌટુંબિક ભાઈ રામદેવ મેળજીયા પરિવાર સાથે ગયા હતા. ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ નહીં મળતા પરિવારજનોને કશું અજુગતું બન્યું હોવાની આશંકા ગઈ હતી.
પરિવારજનો મકાનની દિવાલ ઢેકી અંદર જેમ પ્રવેશ્યા હતા. દશરથ જે રૂમમાં સુતો હતો ત્યારે ત્યાં જઈને જોયું તો દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેના શરીરમાં કોઈપણ પ્રકારની હલનચલન નહીં જોતાં પરિવારજનોએ આ અંગે ચુડા પોલીસને જાણ કરી હતી. ચુડા પીએસઆઈ ડાયાલાલ પરમાર, યુવરાજસિંહ વાઘેલા સહિતના પોલીસ કર્મીઓ ખાંડીયા ગામે દોડી આવ્યા હતા. પરિવારજનોએ દશરથની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવામાં આવી હતી. દશરથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
દશરથે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ? હત્યા થઈ હોય તો કોને કરી? શા માટે એક દિવ્યાંગ યુવાનની હત્યા કરાઈ? હત્યા કરવા પાછળ કારણ શું? આત્મહત્યા હોય તો તે કરવા પાછળનું કારણ શું? આ તમામ સવાલ હાલ તો કોયડા રૂપ બની ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે છે તેના ઉપર મદાર રાખવામાં આવી રહ્યો છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આવનારો સમય બતાવશે..
