ઈશા અંબાણી, આકાશ અંબાણી, બૈજુ રવિન્દ્રન, અદર પૂનાવાલાનો ફોર્ચ્યુન્સ 40 અંડર 40ની યાદીમાં સમાવેશ
40 વર્ષથી નીચેની ઉંમરના પ્રતિભાશાળી લોકોની ફોર્ચ્યુન દ્વારા તૈયાર કરાયેલી વાર્ષિક યાદીમાં રિલાયન્સ જિયો બોર્ડના ડીરેક્ટર્સ ઈશા અંબાણી અને આકાશ અંબાણી, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલા અને ભારતની અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીના સહસ્થાપક બૈજુ રવિન્દ્રનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, ગવર્મેન્ટ અને પોલિટિક્સ એમ પાંચ કેટેગરીમાં 40 -40 લોકોની યાદી ધ 2020 ફોર્ચ્યુન 40 અંડર 40 તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ યાદીમાં રિલાયન્સના મુકેશ અંબાણી અને નીતા અંબાણીના 28 વર્ષીય જોડિયા સંતાનોનો સમાવેશ થાય છે. ફોર્ચ્યુને જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત આવે છે ત્યારે ભારતની સૌથી મોટી કંપની માટે આ વાત એકદમ સાચી છે. 47 વર્ષ જૂનું આ ઔદ્યોગિક સામ્રાજ્ય વર્ષ 2016માં ઓછા દરની વાયરલેસ સેવાઓ પૂરી પાડતાં જિયોના પદાર્પણ સાથે ભારતના મોબાઇલ કનેક્ટિવિટી માર્કેટનું અગ્રણી બન્યું હતું અને એ પહેલા પેટ્રોકેમિકલ્સમાં અભૂતપૂર્વ સફળતા મેળવી ચૂક્યું છે. ફોર્ચ્યુને એમ પણ ઉમેર્યું હતું કે, બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી મેળવ્યા બાદ આકાશ વર્ષ 2014માં કંપનીમાં જોડાયા હતા અને યેલ, સ્ટેનફર્ડ અને મેકકિન્ઝીમાંથી તાલીમ મેળવ્યા બાદ ઈશા એક વર્ષ બાદ જોડાયા હતા.”
આ યાદીમાં ભારતની સૌથી મોટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બૈજુના સીઇઓ 39 વર્ષીય રવિન્દ્રનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. “રવિન્દ્રને સમગ્ર વિશ્વને એ સાબિત કરી બતાવ્યું છે કે અતિશય સફળ ઓનલાઇન એજ્યુકેશન કંપની સ્થાપી શકાય છે,” તેમ જણાવી ફોર્ચ્યુને ઉમેર્યું હતું કે, તેમની કંપની લાખો વિદ્યાર્થીઓને તેમની જિંદગીની સૌથી અગત્યની પરીક્ષાની તૈયારી કરાવે છે અને સાથે સાથે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ પણ કરાવે છે.”
ફોર્ચ્યુને જણાવ્યું છે કે, “વર્ષ 2011માં કંપનીની સ્થાપના થઈ ત્યારથી રેડ-હોટ એજ્યુકેશન સ્ટાર્ટઅપ દ્વારા એક બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે તેની વેલ્યૂ 10 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. રવિન્દ્રનને એ રોકાણની જરૂર પડશે કારણ કે તે બૈજુનો અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં વિસ્તાર કરવા ઇચ્છે છે.” ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ મહિનામાં બૈજુએ એજ્યુકેશન ટેક્નોલોજી સ્ટાર્ટઅપ વ્હાઇટહેટ જુનિયર 300 મિલિયન અમેરિકી ડોલરમાં ખરીદ્યું હતું.
જ્યારે પૂનાવાલા અંગે ફોર્ચ્યુને કહ્યું હતું કે, “પૂનાવાલાની સરખામણીએ આ દુનિયામાં બહુ ઓછા લોકોની માગ છે.” પૂનાવાલા જે કંપનીના સીઇઓ છે એ પારિવારિક માલિકીની કંપની છે અને તે વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની છે. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વૈશ્વિક જાહેર સ્વાસ્થ્યની સંભાળ લેવામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સામાન્ય વર્ષોમાં પણ આ કંપની યુનિસેફ અને ગાવી જેવી સંસ્થાઓ દ્વારા ઓછી અથવા મધ્યમ આવક ધરાવતાં દેશોમાં હાથ ધરવામાં આવતાં રસીકરણના કાર્યક્રમોમાં 1.5 બિલિયન વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવે છે.
આ યાદીમાં સોફ્ટ બેંક ગ્રૂપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અક્ષય નાહેટા (39), હેડ ઓફ ડિજિટલ એસેટ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજી (DLT) એટ TD એમેરીટ્રેડ સુનયના તુટેજા, શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈન (39), મેવરિક વેન્ચર્સના મેનેજિંગ ડિરેક્ટર અંબર ભટ્ટાચાર્ય (37), ફાર્મઇઝીના સહસ્થાપક ધવલ શાહ અને ધર્મિલ શેઠ (31) અને ACLUના ચીફ પ્રોડક્ટ અને ડિજિટલ ઓફિસર દીપા સુબ્રમણિયમ (39)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
