બાયડ:
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસનો પડઘમ સંભળાય એ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. રાહુુલ ગાંધી બે દિવસીય ગુુજરાત રાજ્યની મુલાકાતે છે ત્યારે દહેગામ બાદ રાહુલ ગાંધી અરવલ્લીના બાયડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસભા સંબોધી હતી.
રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધતા ફરી એકવાર નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મોદી સરકારે જીએસટી પર વધુ સ્લેબ લાગુ કરીને સામાન્ય વેપારીની કમર તોડી નાંખી છે.રાહુલે જીએસટીને વધુ એકવાર ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને કહ્યું કે જીએસટીને લાગુ કરવામાં મોદી સરકારે ઉતાવળ કરી છે.
રાહુલ ગાંધીએ રાફેલ હેલીકોપ્ટર સોદા પર પણ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે મોદી સરકારે તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે આ કોન્ટ્રેક્ટ આપ્યો છે.મોદી જ્યારે ફ્રાન્સ ગયા હતા ત્યારે કોઇપણને ચર્ચા કર્યા વગર રાફેલનો કોન્ટ્રેક્ટ રદ કર્યો હતો અને એરક્રાફ્ટ બનાવવામાં નિષ્ણાત કંપનીને કોન્ટ્રેક્ટ આપવાને બદલે પોતાના માનીતા ઉદ્યોગપતિને કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
રાહુલે ગુજરાતમાં ખેડુતોને થતાં અન્યાય પર કહ્યું કે ગુજરાતમાં સરકારે ખેડુતો માટે કશું નથી કર્યુ અને ટાટા નેનો માટે 30 હજાર કરોડ રૂપિયા આપી દીધા છે.ગુજરાતની જનતાના રૂપિયા ઉદ્યોગપતિઓને આપી દીધા.
રાહુલ ગાંધી બાયડમાં ખેડુતો અને મહિલાઓને મળ્યા હતા અને તેમની સમસ્યા જાણવા પ્રયત્નો કર્યા હતા.
જો કે અરવલ્લીમાં જનસભા સંબોધવા પહોંચેલા રાહુલ ગાંધીને કેટલાક લોકોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમનો કાફલો બાયડ તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેટલાક લોકો દ્વારા કાળા વાવટા ફરકાવીને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ રાહુલ ગાંધી બાયડ પહોંચ્યા અને જનસભા સંબોધતા તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.
