દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાયરસનાં ચેપને કારણે દેશમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનાં વધતા જતા સંકટ વચ્ચે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કોરોના સંકટ અંગે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓનો પ્રતિસાદ લીધો હતો. આ દરમિયાન દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની સામે ત્રણ મહત્વપૂર્ણ બાબતો મૂકી હતી.
કોરોના સંકટ અંગે પીએમ મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકડાઉન દેશભરમાં ઓછામાં ઓછા 30 એપ્રિલ સુધી લંબાવવું જોઈએ. સીએમ કેજરીવાલે કહ્યું કે જો રાજ્યો પોતાના સ્તર પર નિર્ણય લેશે તો તે અસરકારક રહેશે નહીં. આ સિવાય સીએમ કેજરીવાલે કહ્યું કે, જો લોકડાઉનથી કોઈ રાહત મળે તો પરિવહન ખોલવું ન જોઈએ. આ સમય દરમિયાન, રેલ્વે, માર્ગ અને હવાઈ મુસાફરીની મંજૂરી આપવી જોઈએ નહીં.
વળી, વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન, પંજાબનાં સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર માટે ખાસ છૂટ સાથે ઓછામાં ઓછા પખવાડિયા સુધી રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન વધારવાની ભલામણ કરી હતી. આ અગાઉ સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, હું 24/7 ઉપલબ્ધ છું. પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ મુખ્યમંત્રી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કોઇ પણ સમયે મારી સાથે વાત કરી શકે છે અને તેમના સૂચન આપી શકે છે. આપણે કોરોના સામે ખભાથી ખભો રાખીને ચાલવું પડશે. આ મીટિંગ દરમિયાન આરોગ્ય મંત્રાલયે વિગતો પણ રજૂ કરી હતી.
મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી, દિલ્હીમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસો નોંધાયા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 903 થઈ ગઈ છે, સક્રમિત લોકોમાં 584 મરકજથી જોડાયેલા છે. આ વાયરસને કારણે 14 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં 30 સ્થળોએ કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે અને આ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે શુક્રવાર સુધી દેશભરમાં આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 7447 સુધી પહોંચી ગઇ હતી. આ વાયરસને કારણે દેશભરમાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
