World News: વર્ષ 2026 ના આગમનને ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે! દુનિયાભરમાં નવ વર્ષ 2026નો જલસો શરુ થવા જઇ રહ્યો છે! પૃથ્વીના સૌથી પૂર્વીય ભાગમાં આવેલા કિરિબાતી (Kiribati)માં ભારતીય સમય (Indian Time) અનુસાર, આજે બપોરે 3 વાગીને 30 મિનિટે સૌપ્રથમ નવું વર્ષ (New Year) 2026 ટકોરા મારશે. ત્યાર બાદ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ (Australia & New Zealand) અને ભારત (India) ઉપરાંત, એશિયાના અનેક દેશોમાં વારાફરતી નવ વર્ષનું આગમન થશે.

2026 નું વર્ષ ભારત (India) પહેલા 29 દેશોમાં શરુ થશે
ભારત (India)માં 31 ડિસેમ્બરની રાત્રે બરાબર 12 વાગ્યે 2026 શરુ થશે ત્યારે એ પહેલા જ દુનિયાભરના 29 દેશોમાં નવ વર્ષનું આગમન થઇ ચૂક્યું હશે. યુરોપ અને અમેરિકા (Europe and America)માં આ સમયે તો 31 ડિસેમ્બરની સાંજ ઢળવા આવશે! આમ, 2026નું નવું વર્ષ આ પૃથ્વી પર આશરે 26 કલાક સુધી જુદા-જુદા ટાઇમ ઝોન (Time Zone)માં ફરતું રહેશે!!
શું છે આ ટાઇમ ઝોન? ન્યૂ ઈયર એન્ટ્રી શી રીતે નિર્ધારીત કરવામાં આવે છે?
આ એક અત્યંત રસપ્રદ વિષય છે જેના વિશે આગળ વિસ્તૃતપણે જાણીશું…
સૌપ્રથમ ટાઇમ ઝોન વિશે જાણીશું…
‘ટાઇમ ઝોન’ ધરતીને સમય અનુસાર વહેંચવાની એક પદ્ધતિ છે. આપણી પૃથ્વી પ્રત્યેક 24 કલાકમાં 360 ડિગ્રી ફરે છે અર્થાત્ દર કલાકે એ 15 ડિગ્રી ફરે છે જેને એક ટાઇમ ઝોનનું અંતર ગણવામાં આવે છે.
આ પ્રમાણે, સમગ્ર દુનિયા (World)માં 24 સમાન અંતર વાળા ટાઇમ ઝોન બનેલા છે. આ ટાઇમ ઝોન 15 ડિગ્રી દેશાંતરનો હોય છે અને આના કારણે, એક દેશથી બીજા દેશ વચ્ચે આશરે એક કલાકનો ફરક જણાય છે. આને કારણે, કોઇ દેશમાં રાત્રિ (Night)નું સામ્રાજ્ય હોય છે તો કોઇ દેશમાં પરોઢ (Morning) થયેલું જણાય છે! આથી જ ક્યાંક નવું વર્ષ 2026 પહેલા આવશે તો ક્યાંક પછી શરુ થશે! ટાઇમ ઝોન જ નિર્ધારિત કરે છે કે કયા દેશમાં ક્યારે તારીખ બદલાશે!
ટાઇમ ઝોનની આવશ્યકતા કેમ પડી?
દુનિયામાં સમયનો ઇતિહાસ ચકાસીએ તો જણાશે કે ઘડિયાળ (Clock)નો આવિષ્કાર 16 મી સદીમાં થયો હતો, પરંતુ 18 મી સદી સુધી તો નવ વર્ષ સૂર્યની પોઝીશન (Sun Position) જોઇને નિયત કરવામાં આવતું હતું. જ્યારે સૂર્ય માથા પર આવે અર્થાત્ મધ્યાન્હ્ થાય ત્યારે 12 વાગ્યા છે એમ માનવામાં આવતું હતુ.
પ્રારંભિક સમયમાં દુનિયામાં જુદા-જુદા દેશોમાં આ વિભિન્ન સમયને કારણે કોઈ મુશ્કેલી સર્જાતી નહતી પરંતુ જ્યારથી રેલ વે (Railway) શરુ થઇ અને લોકો અમુક કલાકોમાં જ એક દેશ (Country)માંથી અન્ય દેશમાં પહોંચવા લાગ્યા ત્યારે મૂળ સમસ્યા શરુ થઇ હતી! દેશોમાં સમયના અંતરના કારણે લોકોને ટ્રેન (Train)ના સમયનો હિસાબ રાખવામાં ઘણી તકલીફો પડવા લાગી.
આનું દ્રષ્ટાંત સમજીએ તો, ધારો કે કોઇ વ્યક્તિ 1840ના દાયકામાં બ્રિટનના લંડન (London)થી સવારના 8 વાગ્યે નીકળે અને પશ્ચિમમાં આશરે 190 કિમી દૂર આવેલા બ્રિસ્ટલ સુધી પહોંચે, તો એની ટ્રેન યાત્રા આશરે 5 કલાકની થઇ ગણાય. પરંતુ લંડનના સમય અનુસાર એ લગભગ 1 વાગ્યે તો બ્રિસ્ટલ પહોંચી જવા છતાં ત્યાંનો સ્થાનિક સમય લંડનથી 10 મિનિટ પાછળ નિયત થયેલો હોવાથી બ્રિસ્ટલની ઘડિયાળમાં 12 વાગી ને 50 મિનિટ વાગ્યા હોય ત્યારે એ વ્યક્તિ ત્યાં પહોંચતો! અર્થાત્ એની ઘડિયાળમાં 1 વાગે ત્યારે બ્રિસ્ટલની ઘડિયાળ 10 મિનિટ પાછળ સમય દર્શાવતી!

કેનેડાના રેલવે એન્જીનિયર દ્વારા ટાઇમ ઝોનનું સૂચન કરવામાં આવ્યું
ઈસ. 1876 માં અલગ-અલગ સમયના કારણે કેનેડાના રેલવે એન્જીનિયર સર સૅનફોર્ડ ફ્લેમિંગ (Sir Sanford Fleming, Canada)ની ટ્રેન એક વાર છૂટી ગઇ! આ સમસ્યાનો જાતઅનુભવ કર્યા બાદ, તેઓએ આ સમસ્યાનું કાયમી નિવારણ આવે એ દિશામાં વિચાર કર્યો અને આખરે મનોમંથનના નિષ્કર્ષ રુપે તેમણે દુનિયાને 24 ટાઇમ ઝોન (24 Time Zone)માં વહેંચવાનું સૂચન કર્યું.
શું છે 24 ટાઇમ ઝોન પાછળનું સાયન્સ?
1. પૃથ્વી કુલ 24 કલાકમાં 360° ડિગ્રી ફરે છે
2. દર કલાકે 15° 1° અંશ ફરે = 4 મિનિટ
3. હવે જો કોઇ દેશ GMTથી 60° દૂર હોય તો ત્યાંને સમય 4 કલાક આગળ-પાછળ હશે.
નવા વર્ષના આગમન અને ટાઇમ ઝોનનો શો સંબંધ?
નવું વર્ષ ટાઇમ ઝોન અનુસાર, રાત્રિના 12 વાગ્યે આવે છે. સૌથી પહેલા એ દેશોમાં નવ વર્ષની ઉજવણી થાય છે જે પૃથ્વીના ગોળાર્ધમાં સૌથી પૂર્વ ભાગ (East Zone)માં સ્થિત છે જેવા કે, કિરિબાતી અને ન્યૂઝીલેન્ડ! આ પછી, ધીમે-ધીમે બાકીના ટાઇમ ઝોનમાં સમાવિષ્ટ દેશોમાં નવ વર્ષનું આગમન ક્રમશ: થાય છે.
ન્યૂઝીલેન્ડમાં ભારતથી સાડા સાત કલાક અગાઉ અને અમેરિકામાં ભારતથી 9 કલાક બાદ નવ વર્ષ 2026નો પ્રારંભ થશે. આખી દુનિયામાં નવું વર્ષ શરુ થવાની આ પ્રક્રિયા આશરે પૂરા 26 કલાક સુધી ચાલતી રહેશે!

વર્ષભરના કેલેન્ડરનો ઈતિહાસ સંક્ષિપ્તમાં…
1. જુલિયસ સીઝરે (Julius Caesar) કેલેન્ડર બનાવ્યું
2. અગાઉના સમયમાં ઋતુ અને ચંદ્ર દ્વારા દિવસ નિર્ધારિત થતા હતા
3. ઋતુચક્ર બગડવાના કારણે સમસ્યા સર્જાવા લાગી
4. રોમન શાસક જુલિયસ સીઝરે સૂર્ય આધારિત કેલેન્ડર બનાવ્યું
5. એક વર્ષને 12 મહિનામાં વહેંચવામાં આવ્યુ અને આખા વર્ષના 365 દિવસ નિયત કરવામાં આવ્યા
6. પોપ દ્વારા સીઝરનું કેલેન્ડર બદલવામાં આવ્યું
7. ઈસ. 1582માં સીઝર કેલેન્ડરમાં સુધારો કરવામાં આવ્યો
8. પોપ સેન્ટ ગ્રેગોરીએ ‘લીપ યર રુલ’ ઉમેર્યો
9. સીઝરના કેલેન્ડર ‘ગ્રેગોરિયન કેલેન્ડર’ (Gregorian Calendar) નામથી ઓળખાવા માંડ્યુ
10. આજે સમગ્ર વિશ્વમાં આ જ કેલેન્ડરને અપનાવવામાં આવેલું છે
આ પણ વાંચો: ન્યૂ યર પાર્ટી પહેલા ઝટકો, સ્વિગી-ઝોમેટો અને એમેઝોન ડિલિવરી કામદારોની દેશવ્યાપી હડતાલ
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ઠંડીનો તાંડવ, AQI 400 પાર, નવા વર્ષ માટે IMDની ચેતવણી
આ પણ વાંચો: 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધસમાન સ્થિતિની આશંકા! અમેરિકન થિંક ટેન્કનો મોટો દાવો
