નવી દિલ્હીઃ ગુજરાતમાં વડોદરા જિલ્લામાં પાદરા ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે. તેના પગલે ફરીથી પુલનો મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો છે. જો કે આ પુલ જર્જરિત હતો અને તેના પરથી ભારે વાહનોની વધુ પડતી અવરજવરના લીધે તે તેનું 50 વર્ષનું આયુષ્ય પૂરુ કરી શક્યો નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે દેશમાં પણ કેટલા પુલ તૂટ્યા છે તેના પર નજર નાખતા જોઈએ તો નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)ના છેલ્લા ત્રણ વર્ષના 21 પુલ તૂટ્યા છે. તેમા 15 પુલ બની ગયા હતા તેના પછી તૂટ્યા છે અને છ પુલ અંડર કન્સ્ટ્રકશન હતા અને તૂટ્યા છે, એમ માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરો અને કન્સેશનરો સામે કાર્યવાહી કરી હતી અને આ કાર્યવાહીની તલસ્પર્શી વિગત પણ મંત્રાલયે આપી હતી. તેમા મધ્યપ્રદેશમાં બનેલી પુલ તૂટી પડવાની ઘટનામાં તો એફઆઇઆર પણ નોંધવામાં આવી હતી.
પુલ તૂટી પડવાના પાંચ કિસ્સામાં હાઇવે એજન્સીઓએ કોન્ટ્રાક્ટરો અને કન્સલ્ટન્ટ્સને દંડ ફટકાર્યો હતો. મહારાષ્ટ્રના એક કેસમાં તો નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી, આ સમિતિ ચિપલુન નદી પર ચાલતા ફ્લાયઓવરના બાંધકામમાં ગર્ડર ગોઠવવામાં નિષ્ફળતા ચકાસવા રચવામાં આવી હતી.
હવે ગુજરાતમાં બનેલી પુલ તૂટી પડવાની ઘટનામાં તંત્ર કયા પ્રકારના પગલાં લેશે તેના પર નજર રહેશે. આ કિસ્સામાં તો પુલ તૂટી પડવાનો કારસો સીધો ભારે વાહનો પર નાખી દેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યુ છે. મૃતકો માટે પાંચ-પાંચ લાખનું વળતર તો સુનિશ્ચિત છે જ. આટલો જર્જરિત બ્રિજ થયો હોવા છતાં પણ તેને બંધ કરવામાં આવ્યો ન હતો તે હકીકત છે. હવે છેક 2022માં જ ગંભીરા પુલ જર્જરિત થયો હોવાનું અધિકારીઓ સ્વીકારી ચૂક્યા હતા. આમ છતાં ન તો બ્રિજ જોઈએ તેવો રિપેર થયો કે ન તો તેને બંધ કરવામાં આવ્યો. આ બતાવે છે કે તંત્ર લોકોની જાનમાલની સલામતીને લઈને કેટલું ગંભીર છે.
આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિકો વારંવાર આ પુલ અંગે રજૂઆત કરી ચૂક્યા હતા, છતાં પણ તેમની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરી હતી. હવે આની જવાબદારી કોના માથે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ
આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
