Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં (Rajkot Gaming Zone Fire Tragedy) દાઝી ગયેલા 28 લોકોમાંથી 25 મૃતદેહોની મંગળવાર સાંજ સુધી ઓળખ થઈ હતી અને 19ને અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મંગળવારે પોલીસે સુરપાલસિંહ જાડજે, નમ્રજીતસિંહ જાડેજા, જયંત ધોરેચા, ધર્મરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, દેવશ્રીબા જાડેજા, રાજભા ચૌહાણ, શત્રુઘ્નસિંહ ચુડાસમા, નીરવ વેકરીયા, વિવેક દુસારા અને ખુશાલીના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપ્યા હતા. મૃતદેહો ઓળખની બહાર હતા અને ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓના આધારે ઓળખવામાં આવ્યા હતા.
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની ઓળખ એફએસએલ (FSL) ની મદદથી કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના મૃતદેહો રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા. અગ્નિમાં બળી ગયેલા મૃતદેહો રીતસરનો કોલસો થઈ ગયા હતા. આ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. તેના લીધે તેના માટે ડીએનએ ટેસ્ટની (DNA Test) મદદ લેવાઈ છે. આ ડીએનએ ટેસ્ટ માટે તેમના નમૂના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં
આવ્યા હતા.
ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSL)માં કામ ચાલી રહ્યુ છે. માનવ અંગોમાંથી ટિસ્યુ લેવાયા છે. મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. ફોરેન્સિક સાયન્સ લેબમાં ડીએનએ ટેસ્ટમાં આઠ પ્રક્રિયા હોય છે અને તે પૂરી થયા પછી આ અંગેનો નિર્ણય લેવાય છે.
DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. ડીએનએ પરીક્ષણમાં પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.
પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે, તેમ ફોરેન્સિક નિષ્ણાતે જણાવ્યું હતું. હાલમાં એફએસએલની 18 સભ્યોની ટીમ કામ કરી રહી છે.
આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનનુ અગ્નિકાંડમાં મોત, DNA ટેસ્ટમાં થયા મેચ
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ પછી રાજ્યના 101 ગેમિંગ ઝોનને તાળાં
આ પણ વાંચો: અમદાવાદ રાત્રિ તાપમાનના મોરચે દેશનું ‘હોટેસ્ટ’ સિટી
આ પણ વાંચો: અમદાવાદમાં લક્ઝરી કાર ખરીદનારાઓ માટે બાવળા બન્યું મોટું મુકામ
