પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રહેણાંક શાળાના ઓછામાં ઓછા 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી,અધિકારીએ જણાવ્યું કે જવાહર નવોદય વિદ્યાલય, કલ્યાણીના ધોરણ 9 અને 10ના 29 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે.
વાલીઓને તેમના બાળકોને ઘરે લઈ જવા માટે જાણ કરવામાં આવી છે. કોવિડ-19 પોઝિટિવ જણાયા વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવાની સલાહ આપવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓમાં ઉધરસ અને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. કલ્યાણી સબ-ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) હિરક મંડળે જણાવ્યું હતું કે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 24 કલાકમાં 440 લોકો પોઝિટીવ મળી આવ્યા છે. આ દરમિયાન 32 હજાર 871 લોકોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે 451 લોકો સ્વસ્થ પણ થયા છે. રાજ્યભરમાં આ રોગચાળાની ઝપેટમાં આવેલા કુલ 16 લાખ 27 હજાર 930માંથી અત્યાર સુધીમાં 16 લાખ 791 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
