Rajkot News : રાજકોટ શહેરમાં સાંજે લગભગ 5:41 વાગ્યે 3.2ની તીવ્રતાનો હળવો ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો હતો. આ ઘટનાની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે 7 કિલોમીટર દૂર મવડી અને વાવડી ગામ વચ્ચે નોંધાયું હતું. જમીનથી લગભગ 15 કિલોમીટર ઊંડાઈએ આ ધ્રુજારી નોંધાઈ હતી.
આંચકો નબળો હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં જ લોકો સુધી તેની અસર પહોંચી હતી, જ્યારે ઘણા વિસ્તારોમાં લોકોને કોઈ અનુભવ થયો નહોતો. અચાનક અનુભવાયેલી ધ્રુજારીને કારણે થોડા સમય માટે લોકોમાં ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી હતી, પરંતુ કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી.
