Yash Dayal IPL 2026: આઈપીએલ 2026ની સીઝન શરૂ થાય તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ખેમામાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર યશ દયાલ (Yash Dayal) પર લાગેલા ગંભીર ગુનાહિત આરોપો અને કાયદાકીય ગૂંચવણોને કારણે તે આગામી સંપૂર્ણ સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
ગંભીર આરોપો અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી
મળતી માહિતી મુજબ, યશ દયાલ વિરુદ્ધ જયપુર અને ગાઝિયાબાદમાં ગંભીર ગુનાહિત કેસો નોંધાયા છે. જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તેના પર સગીરા સાથે છેડતી, મારપીટ અને જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે પોલીસ દ્વારા અત્યંત કડક ગણાતા પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
RCB મેનેજમેન્ટનો કડક વલણ
RCBના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ મો બોબાટે પુષ્ટિ કરી છે કે યશ દયાલ હવે ટીમ સાથે જોડાશે નહીં. ફ્રેન્ચાઇઝીએ આ મામલે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. વિવાદ વધતા જ ટીમે સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ટીમની બસ પરથી યશ દયાલની તસવીરો હટાવી દેવામાં આવી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે લીગની (Leeg) છબી બચાવવા માટે આ કડક નિર્ણય લેવો અનિવાર્ય હતો.
રિટેન્શન બાદ વિવાદોમાં ઘેરાયો
RCBએ જેદ્દાહમાં યોજાયેલી હરાજી પહેલા યશ દયાલને 5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે, સપ્ટેમ્બર મહિનાથી જ તે ડોમેસ્ટિક ક્રિકેટ અને ટીમ કેમ્પમાંથી ગાયબ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને (UPCA) પણ તેને ડોમેસ્ટિક સીઝનમાંથી પડતો મૂક્યો છે.
હવે રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ અને ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલરો સાથે RCB આ વિવાદની અસર ખેલાડીઓ પર ન પડે તે રીતે ખિતાબ જીતવા માટે તૈયારી કરી રહ્યું છે.
