કુલ્લુ
હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ માટે આવેલા આઈઆઈટી રુર્કી,ઉત્તરાખંડના ૩૫ વિદ્યાર્થીઓ લાપતા છે. લાહોલ-સ્પિતી શહેરમાં ભારે વરસાદ થયો છે જેના લીધે વાતાવરણ ઘણું ખરાબ છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ટ્રેકિંગ માટે અહી આવેલા કુલ ૪૫ લોકો ગાયબ છે.

લાપતા વિદ્યાર્થી અંકિત ભાટીના પિતા રાજવીર સિંહે કહ્યું હતું કે ગ્રુપમાં તે લોકો ટ્રેકિંગ માટે ગયા હતા. ટ્રેકિંગ બાદ ત્યાં પ્રવાસ માટે પ્રખ્યાત સ્થળ મનાલી ફરીને પાછા આવવાના હતા. પરંતુ હાલ તેમના ગ્રુપમાંથી કોઈ પણ વિદ્યાર્થીનો સંપર્ક નથી થઇ રહ્યો.

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ અને કેટલાક એરિયામાં હિમવર્ષા પણ થઇ છે. કુલ્લુ , કાંગડા અને ચંબા શહેરમાં કુલ મળીને અત્યાર સુધી ૫ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જયારે ઘાયલ થયેલા લોકો સારવાર હેઠળ છે.

કુલ્લુમાં એક છોકરી સહિત ૪ લોકોએ પોતાની જાન ગુમાવી છે જયારે કાંગડા વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
સોમવારે ભારે વરસાદના લીધે ઘણા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ થઇ ગઈ છે એટલું જ નહી પણ ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. કાંગડા અને કુલ્લુ વિસ્તારમાં મંગળવારે શાળાઓમાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

પૂરના લીધે ઘણા ઘરો પાણીમાં વહી ગયા છે. બ્યાસ નદીનું જળસ્તર ખતરાના નિશાનથી પણ આગળ વધી રહ્યું છે. હિમાચલના વન મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરે કહ્યું છે કે અમે લોકોને નદી-નાળાની જોડે ન જાય તે માટેની સુચના આપી છે. કુલ્લુમાં જીલ્લા પ્રશાસને હાઈ એલર્ટ ઘોષિત કર્યું છે. આશરે ૨૦ કરોડની સંપત્તિનું કુલ્લુંમાં નુકશાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
કુલ્લુ જીલ્લાના પર્યટક વિકાસ અધિકારી બીએસ નેગીએ કહ્યું હતું કે હાલ ટ્રેકિંગ પર આવતા ગ્રુપ પર રોક લગાવવામાં આવી છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે ૧૦ થી ૧૨ શહેરને અસર થઇ છે. મનાલીનો સંપર્ક બીજા રાજ્યથી તૂટી ગયો છે. તો બીજી તરફ ભૂસ્ખલનના લીધે ૩૭૮ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે.
