Banaskantha News: તહેવારોની સીઝન નજીક આવતા જ બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈઓનું વેચાણ ધમધમી રહ્યું છે. જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર રાજ્યમાં અખાદ્ય વસ્તુઓ જપ્ત કરવાની ઝુંબેશ તેજ કરી છે. દરમિયાન ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અખાદ્ય માવાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવો હોવાની માહિતી મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે 36 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ શ્રી કેસરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 36 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. સેમ્પલ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ટી.એચ.પટેલે જણાવ્યું હતું કે શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. રિપોર્ટ આવે ત્યાં સુધી માવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે ૩ ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 સુધી “ફૂડ સેફટી પખવાડિયા” નું આયોજન કરવામાં આવ્યું છે.પખવાડિયાના પ્રથમ 4 દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,૦૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર ખાદ્યપદાર્થો માં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લે આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે
ફૂડ સેફટી પખવાડિયા દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ફૂડ સેફટી પખવાડિયના પ્રથમ 4 દિવસ દરમિયાન 672 એન્ફોર્સમેન્ટ નમુના અને 1,607 સર્વેલન્સ નમુના મળીને 2,279 નમુના લેવામાં આવ્યા હતા. જયારે1,170 ઇન્સ્પેકશન કરાયા હતા. આ પખવાડિયા દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની ડ્રાઈવની 14 રેડમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,૦૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગરની રેસ્ટોરામાં ભોજનમાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો
આ પણ વાંચો: ખોરાકમાંથી અખાદ્ય પદાર્થો: રેસ્ટોરાં હવે માત્ર દંડ ભરીને જ બચી શકશે નહીં
આ પણ વાંચો: હવે મરીમસાલા પણ ડુપ્લિકેટ, ખેડામાં અખાદ્ય મરી બનાવનારા પર ફૂડ ડિપાર્ટમેન્ટ ત્રાટક્યુ
