જયપુર
કેન્દ્રની મોદી સરકાર 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજુ કરશે.એવું લાગી રહ્યું છે કે સરકાર આ વખતે બજેટમાં ડીજીટલ ઇન્ડિયા તરફ વધારે ધ્યાન આપી રહી છે. ભારત સરકાર એક તરફ બેન્કિંગ વિભાગને સંપૂર્ણપણે ડીજીટલ બનાવવા માંગે છે પરંતુ કેટલીક ટેકનીકલ સમસ્યા એવી ઉદભવે છે કે સામાન્ય માણસોનો ડીજીટલાઈઝેશન પરથી વિશ્વાસ ઉઠી જાય. જયપુરમાં આવો જ એક ચકચાર મચાવી દે તેવો કિસ્સો બહાર આવ્યો છે.
જયપુરમાં બેંકની ભૂલનું પરિણામ એક ચાની લારી પર કામ કરવાવાળા રાજકુમારને ભોગવવું પડ્યું હતું.જો કે આ મામલો નોટબંધીના સમયનો છે. નોટબંધી દરમ્યાન રાજકુમાર બેંક ઓફ બરોડામાં ૪૮,૦૦૦ રૂપિયા જમા કરવા માટે ગયો હતો. પરંતુ રૂપિયા જમા કરતી વખતે બેન્કના કર્મચારીથી ભૂલ થઇ ગઈ હતી અને રાજકુમારના ખાતામાં ૪૮,૦૦૦ ના બદલે ૪ કરોડ ૮૦ લાખ રૂપિયા જમા કરી દીધા.
જો કે બેંક કર્મચારીની આ ભૂલ બાદ તત્કાલથી રૂપિયા વિડ્રોલ પણ કરી દીધા હતા.૧૪ મહિના સુધી બધું સામાન્ય ચાલી રહ્યું હતું પરંતુ અચાનક ઇન્કમ ટેક્સ વિભાગે રાજકુમારને નોટીસ મોકલી હતી.
ઇન્કમ ટેક્સ વિભાગે રાજકુમારને હાજર રહેવા જણાવ્યું અને આ રૂપિયા વિશે પુછતાછ કરી હતી.રાજકુમારની વાત સાંભળીને ઇન્કમ ટેક્સના ઓફિસરના હોંશ ઊડી ગયા હતા.રાજકુમારે કહ્યું કે હું ઉદ્યોગ ભવનની પાસે એક ચાની લારી પર કામ કરું છુ. મારો મહિનાનો પગાર ૬૦૦૦ રૂપિયા છે. હું બેંક ઓફ બરોડામાં ૧૮ નવેમ્બરએ હું ૪૮,૦૦૦ રૂપિયા જમા કરવા ગયો હતો.ત્યાં ટેક્નીકલ ભૂલના લીધે મારા ખાતામાં ૪.૮૦ કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા.
ઇન્કમટેક્સ વિભાગના ઓફિસરે ૩ દિવસ સુધી આ રૂપિયા વિષે પુછતાછ કરી હતી. રાજકુમારે બધી ઘટના ઓફિસરને જણાવી દીધી હતી તેમ છતાં તેને ઇન્કમટેક્સ વિભાગ ચાર વાર નોટીસ મોકલી ચુક્યું છે.
દરેક વખતે ઓફિસર રાજકુમારને કેશબુક,સેલ્સ બીલ અને સ્ટોક રજીસ્ટર લાવવા માટે કહે છે પણ રાજકુમાર ચાની લારી પર સામાન્ય કામ કરતો માણસ છે તેની જોડે આવું કઈ જ નથી.
તમને જણાવી દિયા કે ઇન્કમ ટેક્સ વિભાગે રાજકુમારને રીટર્ન ભરવા માટે નોટીસ આપી છે પરંતુ રાજકુમાર તે રીટર્ન ભરી શકે તેટલા રૂપિયા પણ તેની પાસે નથી.
