Mumbai News: મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા 6 મજૂરો (Labourers) 20મા માળેથી નીચે પટકાયા હતા, જેમાંથી 4ના મોત (Died) થયા છે. આ સિવાય બે લોકોની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. મલાડ ઈસ્ટના ગોવિંદ નગર વિસ્તારમાં સ્થિત નવજીવન બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે સવારે લગભગ 11.40 વાગ્યે આ અકસ્માત થયો હતો. ફાયર બ્રિગેડ અને દિંડોશી પોલીસને લગભગ અડધા કલાક બાદ આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના એ બિલ્ડિંગમાં થઈ છે જે ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટે બનાવવામાં આવી રહી છે.
આ બિલ્ડીંગ શિવ શક્તિ બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. ગુરુવારે 20મા માળે લગભગ 28 મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં બનેલો સ્લેબ પડી ગયો હતો અને તેમાં ઉભેલા છ કામદારો નીચે પડી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું. આ ઘટનામાં બિલ્ડરો પર સવાલો ઉઠી રહ્યા છે કે ત્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કેમ ન હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરોના નિવેદનો લઈ રહી છે જેથી ત્યાંની પરિસ્થિતિનો સચોટ અંદાજ લગાવી શકાય. આ મામલે કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સામે કેસ નોંધવામાં આવી શકે છે. પોલીસે કહ્યું કે જો આ લોકો દોષી સાબિત થશે તો કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
