હેપ્પી બર્થ ડે/ 67 વર્ષનાં થયાં ‘બાબુ ભૈયા’… જુઓ અભિનેતાથી નેતા સુધીની પરેશ રાવલની સફર…

બૉલીવુડના સૌથી દિગ્ગજ અને પ્રતિભાશાળી અભિનેતાઓ માંથી એક પરેશ રાવલનો જન્મ 30 મે 1955માં મુંબઈમાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

Entertainment
paresh

બૉલીવુડના સૌથી દિગ્ગજ અને પ્રતિભાશાળી અભિનેતાઓ માંથી એક પરેશ રાવલનો જન્મ 30 મે 1955માં મુંબઈમાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણ થી જ તેમની રૂચી અભિનયમાં હતી. તેથી અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરવામાં તેમણે ખાસ મહેનત ન કરવી પડી. વર્ષ 1984માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હોલી’થી પરેશ રાવલે અભિનયની દુનિયામાં પગ મુક્યો. જેમાં તેમની સહાયકની ભૂમિકા હતી. પરંતુ પરેશ રાવલને સાચી ઓળખાણ મળી 1986માં આવેલી ફિલ્મ ‘નામ’ થી. અને ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી. 90ના દાયકામાં પરેશ રાવલ અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી. પરેશ રાવલ 1980 થી 1990 ના સમય ગાળામાં મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેમ કે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘કબઝા’, ‘કિંગ અંકલ’, ‘રામ લખન’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો સામેલ છે. જ્યારે અભિનયનાં બીજા પડાવમાં કોમિક્સ રોલમાં જોવા મળ્યા. 1990માં આવેલી કોમેડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં તેઓ ડબલ રોલમાં જોવા મળ્યા હતા. આ પછી તેઓ કોમેડી ફિલ્મોમાં ઢળતા ગયા. ‘હેરા ફેરી’માં ભજવેલું ‘બાબુરાવ ગણપત રાવ આપ્ટે’નું પાત્ર લોકો ક્યારેય ભૂલી શકે નહીં. પરેશ રાવલ છેલ્લે ગુજરાતી ફિલ્મ ડિયર ફાધરમાં જોવા મળ્યાં હતાં.

ફિલ્મી દુનિયાની સાથે સાથે પરેશ રાવલે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો અને તેઓ ભાજપમાં જોડાયા હતા અને અમદાવાદ માંથી લોકસભાની ચૂંટણી પણ જીત્યા હતા. 10 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ પણ બનાવવામાં આવ્યા હતા. અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. વર્ષ 2014માં તેમને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પ્રેમ અને લગ્ન
યુવાનીમાં પરેશ રાવલ એક યુવતીને જોતા જ તેના પ્રેમમાં પાગલ થઈ ગયાં હતાં. જે બીજી કોઈ નહીં તેમના બોસની જ દિકરી હતી. આ યુવતીનું નામ સ્વરૂપ સંપત હતું અને તેમણે 1979માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. પરેશ રાવલે સ્વરૂપ સંપતને એક નાટકના શો દરમિયાન જોયા અને તેમના પ્રેમમાં પડી ગયા, ત્યારે પરેશ રાવલે પોતાના મિત્રોને કહી દીધું હતું કે, આ યુવતી મારી પત્ની બનશે અને થોડા દિવસમાં જ પરેશે તેમને સીધું લગ્ન માટે પ્રપોઝ કરી દીધું, જો કે, ત્યારે સ્વરૂપ થોડા ગભરાઈ ગયા અને અને બાદમાં સ્વરૂપે તેમને હા પાડી દીધું અને 1987માં બંનેએ લગ્ન કરી લીધા, આજે તેઓ બે પુત્રોના માતા-પિતા છે. તેમના એક પુત્રનું નામ આદિત્ય અને બીજાનું અનિરૂદ્ધ છે.