બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલો થતાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાનમાં ઉતર્યા છે. તેના કારણે આ હુમલો ફક્ત પોલીસ કેસ જ બનીને ન રહેતા તેના મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોળી યુવાન પર હુમલાને લઈને હીરા સોલંકી લાલઘૂમ થઈ ગયા છે. તેમણે ગર્જના કરી છે કે કોળી સમાજના યુવક સામે હુમલો કરનારને કાયદાકીય સજા અપાવવા હું પોતે મેદાનમાં ઉતરીશ. તેની સાથે તેમણે કોળી સમાજને મેદાનમાં ઉતરવાની હાકલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો છું તે કોળી સમાજના કારણે બન્યો છું. કોળી સમાજની વ્યક્તિને કારણ વગર આવી રીતે કોઈ હાથ કઈ રીતે લગાડી જાય. તેની સાથે કોઈ ગુંડાગર્દી કઈ રીતે કરી જાય. આ ઘટનાની જાણ થતાં મને પોતાને પણ ઘણો ગુસ્સો આવ્યો છે, તમને બધાને પણ ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, નવનીત બાલોધિયા પર હુમલાને લઈને આખો સમાજ ગુસ્સામાં છે અને સમાજમાં આક્રોશ છે. પ્રકરણમાં નવનીત બાલોધિયા એકલા નથી. સમાજ તેમની જોડે છે.
હીરા સોલંકી પોતે નવનીત બાલોધિયાની ખબર કાઢવા પહોંચ્યા હતા, તેની તબિયતની જાણકારી કરી હતી. તેને જણાવ્યું હતું કે તું પોતે ભૂલથી પણ એકલો છે તેમ ન માનતો, આખો કોળી સમાજ તારી પડખે છે. તું મરદ છે. કોઈપણ વ્યક્તિ પર એકસાથે 10થી 12 જણા હુમલો કરે તો તો તું તો શું હું પણ પહોંચી ન મળે, પણ તે જબરદસ્ત ટક્કર આપી, તારા પર હુમલો કરનારા લોકો ડરપોક છે તે સાબિત થઈ ગયું છે. તેથી તો તને એકલાને મારવા એક કે બે નહીં પણ દસથી 12 લોકો આવ્યા. તેમણે હોસ્પિટલથી જ પરસોત્તમ સોલંકીને ફોન લગાવીને જણાવ્યું હતું કે સમાજના યુવાન પરના હુમલાના કેસને લઈને ન્યાય અપાવવા હું ગૃહપ્રધાનને મળવાનો છું અને તમારે પણ જોડે આવવાનું છે.
હવે આ અંગે મહુઆના ડીસીપી રીમા ઝાલાનો દાવો એવો છે કે નવનીત બાલધિયા પોલીસ માટે બાતમીદારનું કામ કરતો હતો અને તેના કારણે તે સ્થાનિક ખનન માફિયાની નજરમાં હતો. પોલીસે આ કેસમાં આઠ આરોપી સામે ગુનો નોંધી આરોપી નજુભાઈની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી નજુભાઈ સ્થાનિક ખનન માફિયા હોવાની સાથે બૂટલેગર પણ છે. તેણે સ્વીકાર્યુ હતું કે તેને શંકા હતી કે નવનીત પોલીસનો બાતમીદાર છે અને તેના કારણે જ પોલીસ અમારા દારૂના ધંધા પર અને ખનનની કામગીરી પર રેડ પાડે છે. તેના કારણે આ હુમલો કર્યો હતો. આમ પોલીસને આ કેસમાં માયાભાઈ આહિર કે તેમના પુત્ર સાથે જોડાયેલી કોઈ કનેકશન હોવાનું લાગ્યું નથી.
જ્યારે હીરા સોલંકી અને કોળી સમાજ તથા નવનીતભાઈ પોતે જુદુ જ માને છે. તેમનું માનવું છે કે આ હુમલો કોઈ બૂટલેગર કે ખનન માફિયા નહીં પણ માયાભાઈ આહિરના પુત્ર જયરાજે કરાવ્યો છે. આમ જયરાજ નામ વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. ગોંડલનું વિવાદાસ્પદ નામ જયરાજ જાડેજા છે તો માયાભાઈ આહિરના પુત્રનું નામ પણ જયરાજ છે. લાગે છે કે જયરાજ નામ વિવાદ માટે જાણીતું છે. હીરા સોલંકીના આગ્રહના કારણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને આ કેસથી દૂર કરવામાં આવ્યા છે અને હાલમાં રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.
આ અંગે નવનીતભાઈએ જણાવ્યું હતું કે મુંબઈના કાંદિવલીના એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. આ કાર્યક્રમ પાછો જાહેરમાં હતો અને તેનું વિડીયો પ્રસારણ થયું હતું. આ અંગે બગદાણાના સેવક અને ભૂતપૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયાનું ધ્યાન જતાં તેમણે જણાવ્યું હતું કે હાલ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તેથી માયાભાઈ આહિરને પોતાની ભૂલ સમજાતા તેમણે ખેલદિલી દર્શાવતા વિડીયો જાહેર કર્યો હતો,પણ માયાભાઈએ માફી માંગી તેના કારણે તેમના પુત્ર જયરાજે લાગી આવ્યું હતું. તેણે તેના લીધે છેક બગદાણા ફોન કર્યો હતો અને પૂછ્યું હતું. અમારે ત્યાં રામભાઈ છે તેમણે મને બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે તે માયાભાઈ પાસે માફી મંગાવી. મેં કહ્યુ કે મેં કંઈ માયાભાઈ પાસે માફી મંગાવી નથી, આ તો તેમની ક્લિપ મારી પાસે આવી હતી જેમા તે બોલ્યા હતા કે યોગેશભાઈ સાગર બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે, તો મેં ફક્ત ફોન કરીને તેમને એટલું જ જણાવ્યું હતું કે બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, અહીં ફક્ત બધા ટ્રસ્ટી છે. મેં ફક્ત તેમની આગળ સ્પષ્ટતા જ કરી હતી, મારી સ્પષ્ટતાના કારણે તેમણે તેમની ભૂલ સ્વીકારીને માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો. મને તે મોકલ્યો પણ હતો, તેમની આ ખેલદિલીથી હું પોતે પણ પ્રભાવિત થયો હતો અને મારા મિત્રોને મોકલ્યો હતો. આટલા મોટા વ્યક્તિ આવી ખેલદિલી દાખવે તે વાત જ અમારા જેવા માટે જબરદસ્ત હતી.
પણ તેમની આ ખેલદિલી કદાચ તેમના પુત્રને પસંદ આવી લાગતી નથી. તેના કારણે તે મારા પર ભડકી ગયો લાગે છે. તેમના પુત્ર જયરાજનો મારા પર ફોન આવ્યો હતો અને મને પૂછ્યું હતું કે તું જ નવનીત છે, મેં કહ્યુ હતુ હા કહો શું કામ છે. તેણે કહ્યું હતું કે તેના માટે રૂબરુ આવીશ. મને એમ કે તેને કોઈ ચર્ચા કરવી હશે, પછી હુમલો થયો તે દિવસે હું આશ્રમમાંથી નીકળી ગયા પછી મારા પર ફોન આવ્યો હતો કે હું ક્યાં છું, હું તે સમયે ઘરે પહોંચી ગયો હતો. તેના પછી મારો પુત્ર ટ્રેક્ટર લઈ આવતો હતો, તેને આ લોકો ભેટી ગયા હતા અને તેના ટ્રેકટરમાંથી ચાવી કાઢી લીધી હતી. તેના લીધે મારા પુત્રનો મારા પર ફોન આવ્યો હતો, તેથી હું ત્યાં જતો હતો ત્યારે રસ્તામાં મને એક ગાડીએ આંતર્યો હતો અને મને રોડની બાજુમાં પાડી દઈને મને ધોકાવાળી કરવા લાગ્યા હતા, હું તેમને પૂછતો રહ્યો હતો કે મને કહો તો કરા કે મારી શું ભૂલ છે, પરંતુ તે મને મારવા લાગ્યા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. તેના પછી બીજી ગાડીમાંથી પણ ચાર માણસો ઉતર્યા હતા અને મને મારવા લાગ્યા હતા.
આ અંગે પોલીસની તપાસ અંગે તેણે જણાવ્યું હતું કે ડીએસપી બેને આખો કેસ ફેરવી નાખ્યો લાગે છે. જો તેમને ખરેખર ગુનેગાર પકડવા હોય તો તે મને મારવા દરમિયાન વિડીયો કોલ કરીને મને મારવાનો વિડીયો ઉતારીને મોકલતા હતા, આ આરોપીઓએ મને માર્યો તેનો વિડીયો તેમણે કોને મોકલ્યો અને કોને કોલ કર્યો તેની તપાસ કરે તો ખરા ગુનેગારો મળી આવશે. બાકી હું સ્પષ્ટપણે માનું છું કે આ કામ માયાભાઈ આહિરના પુત્ર જયરાજનું છે.
ભૂતપૂર્વ સરપંચ પર હુમલો થવાના કારણે કોળી સમાજમાં પણ ગુસ્સો છે. કોળી સમાજના આગેવાનોએ મહુવાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે આ કેસમાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર ઘટતું કરે. આ કેસને લઈને વિવિધ કોળી આગેવાનો જ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો આંદોલન કરવાની ફિરાકમાં પણ છે. તેમનું કહેવું છે કે આખા રાજ્યમાં સૌથી મોટો હોય તો તે કોળી સમાજ છે. તે જો કોઈને ખુરશી પર બેસાડી શકે છે તો ઉઠાડી પણ શકે છે. આમ બગદાણા ઘામના સેવક પરના હુમલાએ મોટું સ્વરૂપ પકડતા આગામી દિવસમાં આંદોલન જોવા મળી શકે છે.
આટલું ઓછું હોય તેમ ઠાકોર સમાજ પણ તેને લઈને મેદાનમાં ઉતર્યો છે અને તેણે કોળી સમાજને ટેકો જાહેર કર્યો છે. ઠાકોર સમાજના આગેવાન ચેતન ઠાકોરે જણાવ્યું હતું કે આ રીતે કોઈ સમાજની વ્યક્તિને કારણ વગર આ રીતે માર મારવામાં આવે તે યોગ્ય નથી. ન્યાયની લડતમાં અમે તેમની સાથે છીએ.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
