Vadodara News: શહેરના અકોટા વિસ્તારમાં ગત રાત્રે એક નિવૃત્ત પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (PSI) ના પુત્રએ નશામાં ધૂત થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસની પ્લેટ અને લાઈટો ધરાવતી કારમાં આવેલા યુવકે સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક કરી ધમકાવ્યા હોવાની ઘટના સામે આવી છે. અકોટા પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મનીષા ચોકડી પાસે નિખિલ દેવરાજભાઈ ઝાલા અને તેમના મિત્રો ઉભા હતા, ત્યારે એક નંબર પ્લેટ વગરની ‘કિયા સેલ્ટોસ’ કાર અત્યંત ઝડપે તેમના પગ પાસેથી પસાર થઈ હતી. આ કારમાં પોલીસની પ્લેટ અને લાલ-બ્લુ લાઈટો લાગેલી હતી.

ફરિયાદી કૃતિકભાઈ
“કારચાલક દંડો લઈને નીચે ઉતર્યો હતો અને અમને ધમકાવવા લાગ્યો હતો. તેણે ગાળો આપીને કહ્યું કે, ‘કેમ ઉભા છો? અહીંથી નીકળો, નહીંતર ડંડાવાળી થશે.’ અમને પહેલા લાગ્યું કે તે ખરેખર પોલીસ અધિકારી છે, પરંતુ તેની હરકતો જોઈ શંકા જતાં અમે તેનો પીછો કર્યો હતો.”
ગંગોત્રી ગીરીવર સોસાયટીમાં હંગામો
નિખિલભાઈ અને તેમના મિત્રોએ પીછો કરી ગંગોત્રી ગીરીવર સોસાયટી પાસે કારને આંતરી હતી. ત્યાં પણ આરોપી વિરેન્દ્રસિંહ યુવરાજસિંહ ઝાલાએ લોકો સાથે બોલાચાલી કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, તેના પિતા અને નિવૃત્ત પોલીસ અધિકારી યુવરાજસિંહ ઝાલાએ પણ ત્યાં આવીને લોકો સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.

પોલીસ તપાસમાં ખુલાસો
ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક વાન સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં નીચે મુજબની વિગતો બહાર આવી છે. આરોપી વિરેન્દ્રસિંહ લથડિયા ખાતો હતો અને તેની આંખો લાલચોળ હતી. મેડિકલ પરીક્ષણમાં દારૂનો નશો કર્યો હોવાની પુષ્ટિ થઈ છે. કાર પર આગળ-પાછળ નંબર પ્લેટ નહોતી અને ગેરકાયદેસર રીતે પોલીસની લાઈટો/પ્લેટ લગાડવામાં આવી હતી. અકોટા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જનતામાં રોષ: “શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે?”
સ્થાનિકો અને પીડિતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો કોઈ સામાન્ય નાગરિક નશામાં આ રીતે ગાડી ચલાવતો પકડાયો હોત, તો પોલીસે અત્યાર સુધી તેનો ‘વરઘોડો’ કાઢી નાખ્યો હોત. નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાને કારણે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
