Budget 2026 Employment and MSME : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27ના કેન્દ્રીય બજેટમાં દેશના યુવાનો અને નાના વેપારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ બજેટમાં રોજગારીની તકો વધારવા, ‘ઓરેન્જ ઈકોનોમી’ને પ્રોત્સાહન આપવા અને MSME સેક્ટરને મજબૂત કરવા માટે અનેક ક્રાંતિકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

શું છે ઓરેન્જ ઈકોનોમી? 20 લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત
બજેટમાં ગેમિંગ, કોમિક્સ, એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (AVGC) સેક્ટર એટલે કે ‘ઓરેન્જ ઈકોનોમી’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 20 લાખ નવા પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ હેતુથી યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે દેશભરમાં ‘AVGC કન્ટેન્ટ ક્રિએટર લેબ’ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી ક્રિએટિવ યુવાનો માટે કારકિર્દીની નવી અને ઉજ્જવળ તકો ઉભી થશે.

નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બજેટનો ખજાનો
નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને વૈશ્વિક સ્તરે ‘ચેમ્પિયન’ બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે એક મજબૂત ત્રિ-સ્તરીય અભિગમ જાહેર કર્યો છે. આ આયોજન હેઠળ, લઘુ ઉદ્યોગોના વિકાસ અને પ્રોત્સાહન માટે ₹10,000 કરોડના ‘SME વિકાસ નિધિ’નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જ્યારે ‘આત્મનિર્ભર ભારત નિધિ’માં ₹2,000 કરોડનું વધારાનું (Top-up) રોકાણ કરવામાં આવશે. વધુમાં, દેશના અર્થતંત્રને વેગ આપવા માટે અંદાજે 200 જેટલા જૂના ઔદ્યોગિક ક્લસ્ટરોને ઓળખી તેમને ફરીથી પુનર્જીવિત કરવાની મહત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે.
Budget 2026: TReDS પ્લેટફોર્મ અને ધિરાણ વ્યવસ્થા
MSME એકમોને આર્થિક મદદ પૂરી પાડવા માટે TReDS (ધિરાણ પ્લેટફોર્મ) ને વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા અત્યાર સુધીમાં ₹7 લાખ કરોડથી વધુની માતબર રકમ પૂરી પાડવામાં આવી છે. આ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે હવે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) ને TReDS સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેથી સરકારી ખરીદીની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે. વધુમાં, આ યોજના હેઠળ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં રહેલી વ્યવસાયિક સંસ્થાઓને વિશેષ પ્રોત્સાહન આપીને નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અન્ય મહત્વની જોગવાઈઓ
અર્ધ-વ્યાવસાયિક MSME એકમો માટે કાયદાકીય પાલન (Compliance) ના ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે, જેનાથી નાના ઉદ્યોગકારો પરનું વહીવટી ભારણ ઓછું થશે. આ સાથે જ, CGTMSE દ્વારા પૂરી પાડવામાં આવતી ગેરંટી સાથેની લોન સુવિધાને વધુ સરળ અને સુલભ બનાવવામાં આવશે, જેથી ઉદ્યોગ સાહસિકો કોઈપણ મુશ્કેલી વગર જરૂરી મૂડી મેળવી શકશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને AI આધારિત India-VISTAAR યોજના જાહેર
આ પણ વાંચો: ભારત બનશે ‘ઔદ્યોગિક મહાસત્તા’! ₹54.1 લાખ કરોડના બજેટમાં ‘રિફોર્મ એક્સપ્રેસ’નો રોડમેપ
આ પણ વાંચો: બજેટમાં ફક્ત એક જ જાહેરાત… શેરબજાર ધડામ, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઘટ્યો
