Budget 2026 Reform Express : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ભારતને ‘ઔદ્યોગિક સંપ્રભુતા’ (Industrial Sovereignty) અપાવવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આશરે ₹54.1 લાખ કરોડ ના જંગી કદના આ બજેટમાં સરકારે આર્થિક સુધારાની ગતિ વધારવા માટે ‘રિફોર્મ એક્સપ્રેસ’ નું બ્લુપ્રિન્ટ રજૂ કર્યું છે.
Budget 2026 : શું છે ‘રિફોર્મ એક્સપ્રેસ’?
આ પહેલ વડાપ્રધાન દ્વારા 2025ના સ્વતંત્રતા દિવસ પર કરવામાં આવેલી જાહેરાતો પર આધારિત છે. જેનો મુખ્ય હેતુ ભારતને માત્ર ‘એસેમ્બલી હબ’ નહીં પણ ‘મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશન હબ’ બનાવવાનો છે. આ માટે 6 મુખ્ય કર્તવ્યો અને 7 ફોકસ સેક્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે.
બાયો-ફાર્મા શક્તિ: ₹10,000 કરોડનું બૂસ્ટર
ભારતને વિશ્વનું ફાર્મા હબ બનાવવાના હેતુથી સરકારે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશમાં 3 નવી રાષ્ટ્રીય બાયો-ફાર્મા સંસ્થાઓની સ્થાપના કરવાની સાથે 7 વર્તમાન સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે, તેમજ દવાઓની ગુણવત્તા પર દેખરેખ રાખતી સંસ્થા CDSCOને વધુ આધુનિક અને સક્ષમ બનાવવામાં આવશે.

સેમીકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ: ₹40,000 કરોડનો દાવ
ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન જેવા દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર દ્વારા ‘સેમીકન્ડક્ટર મિશન’નો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ મિશન અંતર્ગત ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ₹40,000 કરોડના રોકાણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સેમીકન્ડક્ટર સેક્ટર માટે કુશળ યુવાનો તૈયાર કરી શકાય તે હેતુથી ઉદ્યોગોની જરૂરિયાત મુજબના નવા ખાસ તાલીમ કેન્દ્રો પણ ખોલવામાં આવશે.
રેર અર્થ મિશન: આયાત ઘટાડવા માટે ખાસ કોરિડોર
મોબાઇલ, બેટરી અને અન્ય હાઇ-ટેક ઉપકરણોના ઉત્પાદનમાં અત્યંત મહત્વના એવા ‘રેર અર્થ’ ખનિજો માટે ભારત હવે આયાત પર નિર્ભર નહીં રહે. આ ખનિજોની ડોમેસ્ટિક સપ્લાય ચેઈનને મજબૂત કરવા અને વિદેશી નિર્ભરતાને સંપૂર્ણપણે ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ખાસ માઇનિંગ કોરિડોર બનાવવામાં આવશે

MSME અને શહેરી વિકાસ
નાના ઉદ્યોગો (MSME) ને ‘ચૅમ્પિયન’ બનાવવા માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ શહેરી વિસ્તારોને દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે વિકસાવવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
માત્ર ‘મેડ ઇન ઇન્ડિયા’ નહીં, ‘ઈનોવેટ ઇન ઇન્ડિયા’
બજેટ 2026 સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર હવે હાઈ-ટેક સેક્ટરમાં ભારતનું પ્રભુત્વ ઈચ્છે છે. બાયો-ફાર્મા, સેમીકન્ડક્ટર અને રેર અર્થ મિશન જેવા ક્ષેત્રોમાં કરેલું જંગી રોકાણ ભારતને આવનારા દાયકાઓમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ લીડર બનાવશે.
આ પણ વાંચો: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ
આ પણ વાંચો: આજે નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 પ્રસ્તુત કરશે…સતત નવમી વખત રજૂ કરવાનો રેકોર્ડ બનશે!
આ પણ વાંચો: ટ્રેડ ન ફેયર, ન ફ્રી – સીતારમણનું IECમાં મહત્વનું નિવેદન
