Kunwarbai nu Mameru Yojana Gujarat: ગુજરાત સરકારની લોકપ્રિય ‘કુંવરબાઈનું મામેરુ’ યોજના ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વિધાનસભાના બજેટ સત્રમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ ભાવનગર અને મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત થયેલી કામગીરીના આંકડા રજૂ કર્યા હતા.
બે વર્ષમાં કરોડોની સહાય ચૂકવાઈ
મંત્રી પ્રદ્યુમન વાજાએ ગૃહમાં મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ભાવનગર જિલ્લાની 13,880 કન્યાઓને કુલ રૂ. 1665.60 લાખની સહાય પૂરી પાડવામાં આવી છે. આ જ રીતે મહેસાણા જિલ્લામાં પણ 5022 કન્યાઓને કુલ રૂ. 602.64 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. સરકારની પારદર્શક નીતિના ભાગરૂપે આ તમામ રકમ કોઈપણ વચેટિયાની દખલગીરી વગર સીધી જ લાભાર્થી કન્યાઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર) મારફતે જમા કરવામાં આવી છે.

કોણ લઈ શકે છે આ Kunwarbai nu Mameru Yojanaનો લાભ?
આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ આ સહાય મેળવવા માટે પાત્ર ઠરે છે. આવક મર્યાદાની વાત કરીએ તો, શહેરી અને ગ્રામ્ય એમ બંને વિસ્તારો માટે કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધીની હોવી જોઈએ. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીને તેના લગ્ન પ્રસંગે સરકાર તરફથી રૂ. 12,000 ની આર્થિક સહાય સીધી રીતે પૂરી પાડવામાં આવે છે.
ફેસલેસ અને પેપરલેસ પ્રક્રિયા
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ યોજના સંપૂર્ણપણે પારદર્શક રીતે કાર્યરત છે. જેમાં લાભાર્થીએ લગ્નની તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાને કારણે કન્યાઓને હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી અને તેઓ ખૂબ જ સરળતાથી ઘરેબેઠાં આર્થિક સહાયનો લાભ મેળવી શકે છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું મામેરૂં ભર્યું
આ પણ વાંચો: આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે મુળી ખાતે ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમ યોજાયો
