Taliban new law on domestic violence: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ મહિલાઓની સ્થિતિ નરક સમાન બની રહી છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ એક નવો ‘દંડ સંહિતા’ કાયદો લાગુ કર્યો છે, જે સાંભળીને કોઈપણ સંસ્કારી સમાજનું માથું શરમથી ઝૂકી જાય. આ નવા કાયદા હેઠળ પતિને તેની પત્નીને મારવાની છૂટ આપવામાં આવી છે, શરત માત્ર એટલી જ કે માર મારવાથી હાડકું ન તૂટવું જોઈએ!
હાડકું ન તૂટે ત્યાં સુધી મારવું ‘ગુનો’ નથી! : Taliban new law
તાલિબાન (Taliban) ના નવા કાયદા મુજબ, જો પતિ તેની પત્નીને મારે છે અને જો તેનાથી કોઈ હાડકું નથી તૂટતું કે શરીર પર ખુલ્લો ઘા નથી પડતો, તો તેને ગુનો ગણવામાં આવશે નહીં. જો પત્નીનું હાડકું તૂટે તો પણ પતિને માત્ર 15 દિવસની જેલની જોગવાઈ છે. એટલું જ નહીં, સજા મેળવવા માટે મહિલાએ કોર્ટમાં હિંસા સાબિત કરવી પડશે, જે દરમિયાન તેણે પૂરેપૂરી ઢંકાયેલી રહેવું પડશે અને સાથે તેના પતિ કે પુરુષ વાલીનું હોવું પણ ફરજિયાત છે.

પતિની મંજૂરી વગર પિયર જશો તો જેલ
નવા કાયદામાં મહિલાઓની સ્વતંત્રતા પર વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. જો કોઈ પરિણીત મહિલા તેના પતિની પરવાનગી વગર તેના સંબંધીઓના ઘરે જાય છે, તો તેને 3 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
ગુનો એક, સજા અલગ-અલગ
તાલિબાનના આ નવા કાયદાના અનુચ્છેદ 9 મુજબ સમાજને ચાર અલગ-અલગ વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો છે, જેમાં સજાના ધોરણો પણ વર્ગ પ્રમાણે ભિન્ન છે. આ નિયમ હેઠળ જો ઉલેમા એટલે કે ધાર્મિક વિદ્વાનો કોઈ ગુનો કરે તો તેમને માત્ર ‘નસીહત’ કે સલાહ આપીને છોડી દેવામાં આવશે, જ્યારે ઉચ્ચ વર્ગના લોકોને કોર્ટમાં બોલાવીને માત્ર શિખામણ આપવામાં આવશે. તેની સરખામણીએ મધ્યમ વર્ગના લોકોને સમાન ગુના માટે જેલની સજા ભોગવવી પડશે, જ્યારે નીચલા વર્ગના લોકો માટે જેલની સાથે શારીરિક યાતનાઓ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ, તાલિબાને ગુનાની ગંભીરતાને જોવાને બદલે વ્યક્તિની સામાજિક સ્થિતિના આધારે સજા નક્કી કરવાનું નક્કી કર્યું છે, જે ખરેખર આધુનિક ન્યાયતંત્રની ક્રૂર મજાક સમાન છે.
આ પણ વાંચો:રશિયા ફરી હચમચી ગયું, કામચટકામાં જોરદાર ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર કેટલું દૂર ?
આ પણ વાંચો:અફઘાનિસ્તાન ફરી કંપાયું, ભૂકંપથી 20નાં મોત, પાકિસ્તાન-ભારતમાં પણ અનુભવાયા આંચકા
