Surat Global Diamond Hub: તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું સુરત આજે ભારતનું જ નહીં પણ વિશ્વનું એક અત્યંત ગતિશીલ આર્થિક પાવરહાઉસ બની ગયું છે. જે શહેર એક સમયે બ્રિટિશ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચ વેપારીઓ માટે ભારતનું ‘પ્રવેશદ્વાર’ હતું, તે આજે 21મી સદીમાં પોતાની ઔદ્યોગિક કુશળતાને કારણે વિશ્વના નકશા પર ઝળહળી રહ્યું છે.
ઐતિહાસિક વારસો અને આધુનિક વર્ચસ્વ
સુરતનો ઇતિહાસ જળમાર્ગો અને જહાજ નિર્માણની કળાથી જીવંત રહ્યો છે. એક સમયે જે બંદર પર આધિપત્ય જમાવવા વિદેશી તાકાતો વચ્ચે હોડ જામતી હતી, તે જ સુરત આજે એશિયાનું સૌથી મોટું કાપડ કેન્દ્ર અને વિશ્વનું ‘ડાયમંડ હબ’ બની ગયું છે. આ વારસાને સુરતે આધુનિક રંગરૂપ આપીને પોતાને એક ‘ગ્લોબલ ઇકોનોમિક એન્જિન’ તરીકે સ્થાપિત કર્યું છે.

Suratની પ્રગતિના બે મજબૂત સ્તંભ
સુરતની અભૂતપૂર્વ સફળતા પાછળ તેના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સેક્ટરનો સૌથી મોટો ફાળો રહ્યો છે. વિશ્વના 90% કુદરતી હીરા અને 25% લેબ-ગ્રોન હીરાનું પ્રોસેસિંગ એકમાત્ર ‘ડાયમંડ સિટી’ સુરતમાં જ થાય છે, જ્યાં કાર્યરત 6,000 થી વધુ એકમો લાખો પરિવારોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બન્યા છે. આ સાથે જ, એશિયાના સૌથી મોટા કાપડ કેન્દ્ર તરીકે જાણીતું સુરત આજે ‘સિલ્ક સિટી’ તરીકે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે પોતાની ચોકસાઈ અને અજોડ સર્જનાત્મકતાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક આગવી ઓળખ ધરાવે છે.
નીતિ આયોગનું વિઝન
સુરતની ક્ષમતાને પારખીને નીતિ આયોગે તેને ‘ગ્રોથ હબ’ (G-Hub) પહેલ હેઠળ પસંદ કર્યું છે. વર્ષ 2047 સુધીમાં સુરત સહિત ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડના સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટાને એક સંકલિત આર્થિક ક્ષેત્ર (Surat Economic Region) તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન તૈયાર છે. આ આયોજન પ્રાદેશિક અસમાનતા દૂર કરી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક માળખું ઊભું કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની યજમાની
ટૂંક સમયમાં સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (દક્ષિણ ગુજરાત) યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ શહેરના પરિવર્તનને વૈશ્વિક મંચ પૂરું પાડશે અને નવા રોકાણો તેમજ રોજગારીની તકોના દ્વાર ખોલશે.
સુરતની પ્રકૃતિમાં જ સાહસ છે. અહીંના લોકોએ દરેક આપત્તિને અવસરમાં બદલીને શહેરને રહેવાલાયક અને પ્રગતિશીલ બનાવ્યું છે. આધુનિક શહેરી આયોજન અને ઉન્નત કનેક્ટિવિટી સાથે સુરત હવે ગુજરાત અને ભારતના વિકાસના નવા યુગનું નેતૃત્વ કરવા સજ્જ છે.
આ પણ વાંચો: સુરતમાં ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક
આ પણ વાંચો: સુરતમાં ભેળસેળીયું ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બેની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં ભેળસેળિયાઓનું હવે આવી બનશે! સુરતમાં 50 કરોડના ખર્ચે બનશે હાઈ-ટેક ‘ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી’
