Surat Food and Drug Laboratory Project: રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં ખાદ્ય પદાર્થો અને ઔષધોની ચકાસણીનું નેટવર્ક વધુ મજબૂત કરવા સુરત ખાતે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી’ નું નિર્માણ કરવામાં આવશે.
Suratની નવી હાઈ-ટેક લેબોરેટરીની ખાસિયતો
ખોરાક અને દવાઓના સચોટ પરીક્ષણ માટે આ નવી લેબને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. મંત્રીએ આપેલી માહિતી મુજબ, 50 કરોડના આ પ્રોજેક્ટ માટે ચાલુ બજેટમાં રૂ. 17 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. આ પ્રયોગશાળા બનાવવા માટે 2500 ચોરસ મીટર જમીન ફાળવી દેવાઈ છે અને બિલ્ડિંગના નકશા પણ તૈયાર થઈ ગયા છે. આ નવી લેબ 6 માળની બનાવવામાં આવશે, જેમાં 2 બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આધુનિક સુવિધાઓની વાત કરીએ તો, બિલ્ડિંગના દરેક ફ્લોર પર સ્પેશિયલાઈઝ્ડ લેબ હશે, જેમાં માઈક્રોબાયોલોજી, કેમિકલ અને કોસ્મેટિક લેબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં એક વિશાળ રજીસ્ટ્રેશન સુવિધા પણ ઊભી કરવામાં આવશે.

રાજ્યના અન્ય 4 શહેરોમાં પણ બનશે નવી લેબ
સરકાર માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેસ્ટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડમાં પણ નવી લેબોરેટરીઓ સ્થાપવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
વડોદરા સેન્ટ્રલ લેબનું ભારણ ઘટશે
અત્યાર સુધી રાજ્યભરના મોટાભાગના નમૂનાઓ વડોદરાની સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે જતા હતા, જેના કારણે રિપોર્ટ આવવામાં સમય લાગતો હતો. નવી 5 લેબોરેટરીઓ કાર્યરત થવાથી વડોદરા પરનું ભારણ ઘટશે અને નમૂનાઓનું પરિણામ ગણતરીના દિવસોમાં જ મળી જશે.
આ લેબ નેટવર્ક વિસ્તૃત થવાથી ખોરાકમાં થતી ભેળસેળ અને નકલી દવાઓનો કાળો કારોબાર કરતા તત્વો સામે ઝુંબેશ વધુ મજબૂત બનશે અને ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરુચમાં આવતીકાલે ₹૩૮૧ કરોડના ડ્રગ્સનો નાશ કરાશે
આ પણ વાંચો:જામનગરની હોટલમાં પોલીસનો ખાનગી દરોડો! 83 લાખના ડ્રગ્સ સાથે 4 પંજાબી તસ્કર ઝડપાયા
આ પણ વાંચો:ખાખીને લાગ્યો ડ્રગ્સનો ડાઘ! વડોદરા એસઓજીના એએસઆઈની ધરપકડ અને સસ્પેન્શન,4 દિવસના રિમાન્ડ મંજૂર
