Ahmedabad News/ અમદાવાદની આ મોટી સહકારી બેંક પર RBI ની તવાઈ! ગ્રાહકોના પૈસા ઉપાડવા પર લાગ્યો પ્રતિબંધ

RBI એ અમદાવાદની ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. ગ્રાહકોના નાણાં ઉપાડવા પર રોક. જાણો તમારા ફસાયેલા રૂપિયા કેવી રીતે સુરક્ષિત છે.

Gujarat Top Stories Ahmedabad
Gujarat State Employees Co-operative Bank RBI Ban

Gujarat State Employees Co-operative Bank RBI Ban: ગુજરાતમાં સહકારી બેંકોની આર્થિક સ્થિતિ કથળી રહી હોય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આકરૂં વલણ અપનાવતા અમદાવાદની ‘ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક’ (Gujarat State Employees Co-operative Bank) પર મોટા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. 11 માર્ચ, 2026 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી આ આદેશ લાગુ થઈ ગયો છે, જેના પગલે બેંકના હજારો સભ્યો અને થાપણદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

એક રૂપિયો પણ ઉપાડી નહીં શકાય!

RBI દ્વારા જારી કરાયેલા કડક આદેશ મુજબ, બેંકની નબળી આર્થિક સ્થિતિ (લિક્વિડિટીની અછત) ને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના નાણાં ઉપાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે, બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ) કે ચાલુ ખાતા (કરન્ટ એકાઉન્ટ) માંથી ગ્રાહકો હાલ પોતાના જ રૂપિયા ઉપાડી શકશે નહીં.

બેંક પર કયા કયા પ્રતિબંધો લાગ્યા?

RBI ની પૂર્વ મંજૂરી વિના હવે બેંક કેટલાક મહત્વના કામો કરી શકશે નહીં. નવા નિયંત્રણો મુજબ, બેંક હવે કોઈ નવી લોન આપી શકશે નહીં કે જૂની લોન રિન્યૂ પણ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેંકમાં કોઈ નવી ફિક્સ ડિપોઝિટ (FD) કે અન્ય રોકાણ સ્વીકારી શકાશે નહીં. સાથે જ મિલકત વેચાણ પર પણ રોક લગાવવામાં આવી છે, જેથી બેંક પોતાની કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકત વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં. જોકે, આ પ્રતિબંધો વચ્ચે બેંકને માત્ર પોતાના કર્મચારીઓના પગાર, ભાડું અને વીજળી બિલ જેવા અનિવાર્ય અને જરૂરી ખર્ચાઓ ચૂકવવાની જ છૂટ આપવામાં આવી છે.

Gujarat State Employees Co-operative Bank RBI Ban

9900 સભ્યો અને 6 કરોડની થાપણોનું શું થશે?

મળતી માહિતી મુજબ, આ બેંક સાથે રાજ્યના અંદાજે 9900 જેટલા કર્મચારીઓ/સભ્યો જોડાયેલા છે. બેંકમાં લોકોની આશરે 6 કરોડ રૂપિયાની થાપણો અને ૩ કરોડ રૂપિયાના શેર પડેલા છે. લાંબા સમયથી બેંકિંગ નિયમોના ઉલ્લંઘન અને કામગીરીમાં સુધારો ન થતાં આખરે RBI એ આ કડક પગલું ભર્યું છે.

શું તમારા રૂપિયા ડૂબી જશે? જાણો નિયમ

જે ગ્રાહકોના પૈસા બેંકમાં ફસાયા છે, તેમણે ગભરાવાની જરૂર નથી. DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) એક્ટ હેઠળ પાત્રતા ધરાવતા થાપણદારોને વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીની રકમ પરત મળવાપાત્ર છે.

શું બેંકનું લાઇસન્સ રદ થઈ ગયું છે?

ના, હાલ પૂરતું બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી. RBI એ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર નિયંત્રણો છે, જે હાલ 6 મહિના માટે અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન બેંકની આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જો સુધારો જણાશે તો પ્રતિબંધો હળવા થઈ શકે છે, અન્યથા ભવિષ્યમાં આકરા પગલાં લેવાઈ શકે છે.


આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર્સને છૂટા કરવાનો નિયમ અમલમાં

આ પણ વાંચો: ચરોતર નાગરિક સહકારી બેંકને ચુનો લગાડનાર વિરેન્દ્ર પટેલની 20 વર્ષે કરાઈ ધરપકડ

આ પણ વાંચો: RBI એ ગુજરાતની 3 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો, 2 આણંદ અને 1 વલસાડ