Gandhinagar News: વિધાનસભા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya)એ જણાવ્યું કે રાજ્યનું વર્ષ 2026-27 નું બજેટ (Budget 2026-27) ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ખાસ કરીને, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યનું વર્ષ 2026-27 નું બજેટ (Budget 2026-27) સીમાચિહ્ન-કુંવરજી બાવળિયા
શ્રમમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કુલ રૂ. 4,08,053 કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગની ₹ 2,902 કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી છે.
રાજ્યના 29 જૂના શ્રમ કાયદાઓ (Labour Laws) એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ અમલી કરાઈ છે અને અગરીયાઓ અને બાંધકામ શ્રમિકો (Workers) માટે આવાસ તથા આરોગ્ય સુરક્ષા માટે બજેટમાં સામાજિક સુરક્ષાના મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત દેશમાં મોખરે: 1.1 ટકાના સૌથી નીચા દર સાથે રોજગારી ક્ષેત્રે નવી ઊંચાઈઓ
વિકસિત ગુજરાત @2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વર્ષ 2030 સુધીમાં વધારાના આશરે 1 કરોડ કુશળ માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ હાલના માનવબળના સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ પર આ વર્ષનુ બજેટ સમર્પિત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
શ્રમિક ભાગીદારીમાં ગુજરાત મોખરે: પુરુષ શ્રમિકોની ભાગીદારીમાં રાજ્ય દેશભરમાં પ્રથમ અને મહિલાઓમાં બીજા ક્રમે
તેમણે જણાવ્યું કે, ગુજરાત (Gujarat) આજે દેશમાં આર્થિક વિકાસનું મોડેલ રાજ્ય છે. ભારત સરકારના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, દેશના સરેરાશ ૩.૨ ટકા બેરોજગારી દરની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.1 ટકા જેટલો નીચો છે, જે સરકારના અસરકારક પ્રયાસો દર્શાવે છે. વધુમાં, મહિલા શ્રમિકોની ભાગીદારીમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે અને પુરુષ શ્રમિકોની ભાગીદારીમાં પ્રથમ ક્રમે છે.
‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’: ગુજરાતના શ્રમિકો અને યુવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારનું મક્કમ કદમ
શ્રમિકોના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 29 શ્રમ કાયદાઓને એકીકૃત કરી 4 નવી શ્રમ સંહિતાઓ (Labor Codes) તા. 21-11-2025 થી અમલી બનાવવામાં આવી છે. આ સુધારાઓથી શ્રમિકોના અધિકારોનું રક્ષણ થશે અને ઉદ્યોગો માટે ‘Ease of Doing Business’ માં વધારો થશે.
તેમણે કહ્યું કે શ્રમયોગીઓના કલ્યાણ માટે કાર્યરત વિવિધ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ અમલી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ 11.40 લાખથી વધુ શ્રમિકો નોંધાયેલા છે.
રાજ્યના શ્રમિકોને ₹ 5 માં પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે 300 નવાં કેન્દ્રો અને 500 ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ કાર્યરત કરાશે
શ્રમ મંત્રીએ કહ્યું કે બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા પૂરી પાડતા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની સંખ્યા આગામી વર્ષે 500 સુધી લઈ જવાનું લક્ષ્ય છે. આ માટે રૂ. 60 કરોડ ફાળવાયા છે. જ્યારે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ માત્ર રૂ. 5 માં પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે નવાં 300 કેન્દ્રો ઉમેરવા રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ITI માં ભણતી દીકરીઓને ₹ 24,000 સુધીની સહાય માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ અને ‘નમો ગુજરાત મિશન’ માટે માતબર રકમની ફાળવણી
રાજ્યના યુવાધનને તાલીમબદ્ધ કરવા માટે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ હેઠળ રૂ. 226 કરોડ અને ITI ના અપગ્રેડેશન માટે ‘પી.એમ. સેતુ’ યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ જ રીતે, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ ITI માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રૂ. 15,000 થી 24,000 ની સહાય માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય, અંદાજપત્રમાં શ્રમ અને રોજગાર વિભાગની અન્ય મહત્ત્વની બાબતો અને મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
* બજેટ ફાળવણી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ
* ‘ઈ-શ્રમ’ પોર્ટલ: રાજ્યમાં 1.23 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની ‘ઈ-શ્રમ’ પોર્ટલ પર નોંધણી
* મહિલા ઉત્કર્ષ: મહિલા બાંધકામ શ્રમિકો માટે રૂ. ૩૭,૫૦૦ની પ્રસૂતિ સહાય યોજના
* સિલિકોસીસ પીડિતોને સહાય: અકીક અને પથ્થરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને ગંભીર સિલિકોસીસ રોગની સારવાર માટે રૂ. 3 લાખ અને મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખ ની સહાય આપવાની જોગવાઈ
* અગરીયાઓ માટે આવાસ: કામના સ્થળે વિષમ પરિસ્થિતિમાં રહેતા 2,500 મીઠા અગરીયાઓને સોલાર પેનલ અને પાણીના ટાંકા સાથેના પોર્ટેબલ આવાસ પૂરા પાડવાનું આયોજન
* મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના: બાંધકામ શ્રમિકની દીકરીના નામે રૂ. 25,000 ના બોન્ડ (FD) 18 વર્ષની મુદત માટે આપવામાં આવે છે, જેના માટે બજેટમાં રૂ. 2 કરોડની જોગવાઈ
* શ્રમિક પરિવહન યોજના: શ્રમિકોને કડિયાનાકાથી કામના સ્થળે જવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસિપલ બસ પાસના ખર્ચમાં 80 ટકા સહાય
* ITI ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યની 16 આઈ.ટી.આઈ. ની નવી બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. 97 કરોડ અને માળખાકીય સુવિધાઓના મજબૂતીકરણ માટે રૂ. 64 કરોડની જોગવાઈ
* શ્રમ સેતુ પોર્ટલ: શ્રમિકોની ગ્રેચ્યુઇટી અને ઔદ્યોગિક વિવાદોની અરજીઓ ઓનલાઈન ઉકેલવા માટે ‘કેસ એન્ડ ક્લેઈમ મેનેજમેન્ટ મોડ્યુલ’ વિકસાવાયું
* અંત્યેષ્ઠિ સહાય: અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની મરણોત્તર ક્રિયા માટે રૂ. 10,000 ની સહાયની જોગવાઈ
* સામાજિક સુરક્ષા: અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીઓને રૂ. 4 લાખ સુધીની સહાય
આમ, શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રજૂ કરવામાં આવેલી વર્ષ 2026-27 ના વર્ષ માટેની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
