Supreme Court Gujarat Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના દિગ્ગજ આગેવાન દિનેશ બાંભણિયાએ એક મોટો ધડાકો કર્યો છે. ટિકિટ ફાળવણી અને અનામત પદ્ધતિમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ ઉઠાવી છે. આ મામલે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી દીધી છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
‘અમે 27% અનામતની સામે નથી, પણ અમલ ખોટો છે’
દિનેશ બાંભણિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ રાજ્યમાં OBC માટે લાગુ કરાયેલા 27% અનામતના વિરોધમાં બિલકુલ નથી, પરંતુ તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો અને ગેરબંધારણીય છે. તેમનો આક્ષેપ છે કે રાજ્યમાં 27% અનામતની જોગવાઈનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે અને અનામત તેમજ ટિકિટ ફાળવણીની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પણ કોઈ જ પાલન કરાયું નથી.

ખોટી રોસ્ટર પદ્ધતિ અને ઝવેરી કમિશન રિપોર્ટ પર સવાલ
બાંભણિયાએ રાજ્ય સરકાર અને ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, ચૂંટણીમાં જે રોસ્ટર પદ્ધતિ (Roster System) લાગુ કરવામાં આવી છે, તે સંપૂર્ણપણે ખોટી છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે બનાવવામાં આવેલા ‘ઝવેરી કમિશન’ નો રિપોર્ટ હજુ સુધી સરકારે જાહેર કર્યો નથી. રિપોર્ટ જાહેર કર્યા વિના જ અનામતનો અમલ કરી દેવાતા અનેક કાનૂની સવાલો ઉભા થયા છે.
આવતીકાલે Supreme Courtમાં થશે મહત્વની સુનાવણી
આ તમામ વિસંગતતાઓ દૂર ન થાય ત્યાં સુધી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રોકી દેવામાં આવે, તેવી માંગ સાથે દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે ચૂંટણીને પડકારતી રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આવતીકાલે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી થવાની છે. જો સુપ્રીમ કોર્ટ આ અરજી ગ્રાહ્ય રાખશે, તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર મોટી બ્રેક વાગી શકે છે. હાલમાં સમગ્ર રાજ્યના રાજકારણની નજર આવતીકાલની સુનાવણી પર ટકેલી છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ
આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ
આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી
