Rajkot News/ જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, જાણો સંચાલકોના જામીનનું શું થયું

Jasdan Hostel Girl Death Case: જસદણ આલ્ફા નવોદય હોસ્ટેલમાં 10 વર્ષની બાળકીના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટે સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાના જામીન રદ કરવાની અરજી ફગાવી. જાણો સમગ્ર મામલો.

Rajkot Top Stories Gujarat
Jasdan Hostel Girl Death Case: 10 વર્ષની બાળકીના મોતનો કેસ, હોસ્ટેલ સંચાલકોના જામીન યથાવત્

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની આલ્ફા નવોદય અને સૈનિક તાલીમ કેન્દ્ર (Alpha Navodaya Hostel) હોસ્ટેલમાં 10 વર્ષની ( Jasdan Hostel Girl Death Case) બાળકીના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હોસ્ટેલના સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાની ફરિયાદીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પરિણામે બંને સંચાલકોના જામીન યથાવત્ રહ્યા છે.

10 વર્ષની બાળકી હોસ્ટેલમાં અભ્યાસ માટે દાખલ થઈ હતી

ફરિયાદીએ પોતાની 10 વર્ષની પુત્રીને 28 એપ્રિલ 2026ના રોજ જસદણની આલ્ફા નવોદય અને સૈનિક તાલીમ કેન્દ્ર હોસ્ટેલમાં અભ્યાસ માટે દાખલ કરી હતી. હોસ્ટેલમાં કડક શિસ્તના નિયમો હોવાના કારણે વાલીઓને બાળકો સાથે મુક્તપણે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Jasdan Hostel Girl Death Case: બાળકીની તબિયત બગડતાં વિવાદ શરૂ થયો

18 જૂન 2026ના રોજ બાળકીને અછબડાની અસર જણાઈ હતી. ફરિયાદી પક્ષનો આક્ષેપ હતો કે બાળકીએ પોતાની તબિયત અંગે હોસ્ટેલના સંચાલકોને જાણ કરી હતી. જોકે, સંચાલકોએ પરિવારને સમયસર જાણ કર્યા વિના પોતાની રીતે બાળકીની સારવાર શરૂ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Jasdan Hostel Girl Death Case: 10 વર્ષની બાળકીના મોતનો કેસ, હોસ્ટેલ સંચાલકોના જામીન યથાવત્
Jasdan Hostel Girl Death Case: જસદણની 10 વર્ષની બાળકીના મોતનો કેસ

બાળકીની તબિયત વધુ ગંભીર બનતા 24 જૂન 2026ના રોજ તેને જસદણની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની અમૃતા બાળ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

પિતાએ સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પુત્રીના મોત બાદ પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સંચાલકો દ્વારા સમયસર નિષ્ણાત સારવાર ન કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને મનુષ્યવધનો ગુનો નોંધવાની માગ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

હાઈકોર્ટમાં સંચાલકો તરફથી શું દલીલ થઈ?

સંચાલકો તરફથી એડવોકેટ તુષાર ગોકાણી દ્વારા હાઈકોર્ટમાં (Gujarat High Court) દલીલ કરવામાં આવી હતી કે સંચાલકોએ બાળકીને પોતાની જવાબદારી સમજી સારવાર માટે જસદણથી રાજકોટની સારી બાળ હોસ્પિટલોમાં ખસેડી હતી. સારવારનો ખર્ચ પણ સંચાલકોએ પોતાના સ્વખર્ચે કર્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સંચાલકો તરફથી એવો પણ બચાવ કરવામાં આવ્યો હતો કે તેમનો કોઈ ખરાબ ઈરાદો નહોતો અને સારવારમાં જાણીજોઈને બેદરકારી કરવામાં આવી નથી. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે અછબડા બાદ ન્યુમોનિયા અથવા સેપ્સિસ જેવી ગંભીર તબીબી ગૂંચવણો ઊભી થઈ શકે છે અને આવી ગૂંચવણો અંગે બિન-તબીબી વ્યક્તિને અગાઉથી જાણ હોવી જરૂરી નથી.

હાઈકોર્ટે આ પરિસ્થિતિને વધુમાં વધુ સંચાલકીય ચૂક તરીકે જોવાનો અભિગમ અપનાવ્યો હતો. ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં સંચાલકોને જેલમાં રાખવું યોગ્ય ન હોવાનું માનીને તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં જામીન પડકાર્યા

હાઈકોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ ફરિયાદી પક્ષે સંચાલકોના જામીન રદ (Hostel Operators Bail) કરાવવા માટે સુપ્રીમ કોર્ટનો (Supreme Court)દરવાજો ખખડાવ્યો હતો. ફરિયાદી પક્ષે સંચાલકોને ફરી કસ્ટડીમાં લેવાની માગ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા તારણોને યોગ્ય ગણાવ્યા હતા અને ફરિયાદી દ્વારા જામીન રદ કરવાની કરવામાં આવેલી અરજીને ડિસમિસ કરી દીધી હતી. આથી હોસ્ટેલ સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાના જામીન યથાવત્ રહ્યા છે.

આ સમગ્ર કાનૂની કાર્યવાહી દરમિયાન સેશન્સ કોર્ટથી લઈને હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી સંચાલકો તરફથી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી અને તેમની ટીમે રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સંચાલકોના જામીન ચાલુ રહ્યા છે.

કેસમાં હવે આગળની કાર્યવાહી પર નજર

10 વર્ષની બાળકીના મોતને (Jasdan Hostel Girl Death Case) લઈને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જ્યારે સંચાલકો તરફથી સારવારમાં ઈરાદાપૂર્વક બેદરકારી ન હોવાની દલીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ જામીન રદ કરવાનો ઈનકાર કર્યો છે. જોકે, આ નિર્ણયનો અર્થ કેસના તમામ આરોપો અંગે અંતિમ નિર્દોષિતાનો ચુકાદો નથી; મુખ્ય કેસની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ રહી શકે છે.


આ પણ વાંચો: જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી ચકચાર: પરિવારનો બેદરકારીનો આક્ષેપ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો: દિવાળી શોપિંગ પહેલાં જાણી લો! સુરતમાં કાપડના ભાવ વધવાની શક્યતા, જાણો કારણ

આ પણ વાંચો: કાલુપુરથી જાસપુર જતા 4 યુવકોને રિક્ષામાં છરી બતાવી લૂંટ્યાનો આરોપ, ₹38 હજાર પડાવ્યા