માલદીવમાં આશ્ચર્યજનક રીતે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. મુલાકાતીઓ ઘટતા માલદીવના અર્થતંત્ર પર અસર થતા સરકાર ઘૂંટણિયે આવી છે અને ભારત સાથે સંબંધો સુધારવા પ્રયાસ હાથ ધર્યા છે. માલદીવની એક મોટી પર્યટન સંસ્થાએ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના મોટા શહેરોમાં રોડ શો યોજવાનું નક્કી કર્યું છે. જેથી કરીને ભારતીય પ્રવાસીઓમાં માલદીવ વિશેની ધારણા બદલી શકાય અને તેઓ ફરી એકવાર માલદીવની મુલાકાત લેવા માટે પ્રેરિત થઈ શકે.
‘ઈન્ડિયા આઉટ’નો નારો ભારે પડ્યો
ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલા માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે. મોટી સંખ્યામાં ભારતીયો અહીં રજાઓ ગાળવા જાય છે. પરંતુ હાલમાં સ્થિતિ બદલાઈ છે કારણ કે રાષ્ટ્રપતિ મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો. ત્યાર પછી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. માલદીવે ભારતીય સૈનિકોને તેના સ્થાનેથી હાંકી કાઢવાનો આદેશ પણ જારી કર્યો હતો. આ સૈનિકો ત્યાં કામમાં રોકાયેલા હતા.

લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે સરખામણીનો દોર શરૂ
ભારત સાથેના સંબંધો તંગ થયા બાદના થોડા અઠવાડિયા પછી, પીએમ મોદીએ ભારતના લક્ષદ્વીપથી તેમની તસવીર જાહેર કરી. આ પછી સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે સરખામણી થવા લાગી. આ પછી માલદીવના કેટલાક મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓએ ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.હવે માલદીવ આ નુકસાનની ભરપાઈ કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતીય પ્રવાસીઓને આકર્ષવા કરશે રોડ શો
8 એપ્રિલના રોજ માલેમાં ભારતીય હાઈ કમિશનર સાથેની ચર્ચા બાદ, માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ ભારતના કેટલાક શહેરોમાં રોડ શોનું આયોજન કરવા સહિત પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવાની યોજના બનાવી છે. માલદીવ ટૂરિઝમ એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘MATATO એ ભારતના મુખ્ય શહેરોમાં વ્યાપક રોડ શો શરૂ કરવાની તૈયારી કરીને પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા માટે માલદીવમાં ભારતીય હાઈ કમિશન સાથે નજીકથી સહયોગ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ સિવાય આગામી મહિનાઓમાં પ્રભાવકો અને મીડિયાને માલદીવના પ્રવાસે લઈ જવામાં આવશે જેથી તેઓ ત્યાંના વિશે જાણી શકે.
એસોસિએશને જણાવ્યું હતું કે માલદીવના પ્રવાસન માટે ભારત એક મહત્ત્વનું બજાર છે, અને ઉમેર્યું હતું કે તેઓ માલદીવને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે ભારતભરમાં અગ્રણી પ્રવાસન સંસ્થાઓ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.

માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજદ્વારી વિવાદને પગલે દેશની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2023માં માલદીવની મુલાકાત લેનારા 17 લાખથી વધુ પ્રવાસીઓમાંથી મોટા ભાગના ભારતીયો (2,09,198) હતા. આ પછી તે રશિયા અને ચીન હતું. જો કે, રાજદ્વારી તણાવ પછીના અઠવાડિયામાં, ભારતીય પ્રવાસીઓની સંખ્યા પાંચમા સ્થાને સરકી ગઈ.
ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવમાં ચીન તરફી રાષ્ટ્રપતિ મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તાજેતરના સમયમાં ખટાશ આવી ગઈ છે. માલદીવના સરકારના ભારત પ્રત્યેનું અક્કડ વલણ આખરે છોડવું પડ્યું. ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા માલદીવની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ. આખરે ભારતમાં જ પ્રચાર કરવાનો વારો આવ્યો.
આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો
આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે
