Ahmedabad News: અમદાવાદમાં બહારગામથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડ્યા બાદ લૂંટવા (Ahmedabad Rickshaw Robbery)ના કિસ્સાઓ વચ્ચે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ કાર્ય માટે જઈ રહેલા ઝારખંડના ચાર યુવકોને રિક્ષામાં બેસાડ્યા બાદ છરી બતાવી લૂંટવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, રિક્ષાચાલક મુસાફરોને તેમના નિર્ધારિત સ્થળે લઈ જવાને બદલે ગીતામંદિર નજીક આરોગ્ય ભવનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો. ત્યારબાદ અન્ય એક વ્યક્તિને ત્યાં બોલાવી યુવકો પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી યુવકો પાસેથી ₹28 હજાર રોકડા પડાવી લીધા હતા. આ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે વધુ ₹10 હજાર લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિક્ષાચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિશ્વ ઉમિયાધામમાં કાર્પેન્ટરનું કામ કરવા અમદાવાદ આવ્યા હતા
ફરિયાદ મુજબ, મૂળ ઝારખંડના બોકારો જિલ્લાના ચંદ્રપુરા ગામનો રહેવાસી વિવેક મહંતો 24 ઓગસ્ટે અમદાવાદ આવ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ મિત્રો પણ હતા. ચારેય યુવકો જાસપુર ખાતે ચાલી રહેલા વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ કાર્યમાં કાર્પેન્ટર તરીકે કામ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. સવારે ચારેય કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ જાસપુર જવા માટે રિક્ષામાં બેઠા હતા.
Ahmedabad Rickshaw Robbery: રિક્ષા જાસપુરને બદલે ગીતામંદિર નજીક લઈ જવાઈ
યુવકોના જણાવ્યા મુજબ, રિક્ષાચાલક તેમને જાસપુર લઈ જવાને બદલે જમાલપુર-ગીતામંદિર વિસ્તાર તરફ લઈ ગયો હતો. ત્યારબાદ સફળ ટ્રાવેલ્સ નજીક આવેલા આરોગ્ય ભવનના કમ્પાઉન્ડમાં રિક્ષા ઊભી રાખવામાં આવી હતી. અહીં રિક્ષાચાલકે ચારેય યુવકોને ભાડું કોણ ચૂકવશે તે અંગે પૂછપરછ કરી હતી. યુવકોએ તેમને જણાવ્યું હતું કે મુસાફરીનું ભાડું તેમના શેઠ દ્વારા ચૂકવવામાં આવશે.
Ahmedabad Rickshaw Robbery: રિક્ષાચાલક થોડીવાર માટે ગયો, પછી અન્ય વ્યક્તિ સાથે પરત આવ્યો
ભાડા અંગે વાતચીત થયા બાદ રિક્ષાચાલક યુવકોને ત્યાં જ છોડીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ તે અન્ય એક વ્યક્તિને સાથે લઈને પરત આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બંને શખ્સોએ યુવકો પાસે રહેલા પૈસા આપવાની માંગ કરી હતી. યુવકોએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતાં મામલો ઉગ્ર બન્યો હતો.
છરી ગળા પાસે રાખી ₹28 હજાર પડાવ્યાનો આરોપ
આ દરમિયાન એક શખ્સે છરી કાઢીને યુવકના ગળા પાસે રાખી દીધી હતી. ત્યારબાદ બળજબરીથી તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ₹28 હજાર રોકડા લઈ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આટલું જ નહીં, યુવકના ફોનમાંથી PhonePe મારફતે વધુ ₹10 હજાર ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદમાં વાત છે. એટલે રોકડ અને ઓનલાઈન મળીને કુલ ₹38 હજારની લૂંટ થઈ હોવાનો આરોપ છે.
બીજી રિક્ષામાં બેસાડી સાબરમતી સ્ટેશન મોકલ્યા
લૂંટ (Ahmedabad Rickshaw Robbery) બાદ આરોપીઓએ ચારેય યુવકોને બીજી રિક્ષામાં બેસાડ્યા હતા. તેમને સાબરમતી રેલવે સ્ટેશન ઉતારી દેવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે રિક્ષાચાલકને ₹400 ચૂકવવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર ઘટનાને પગલે યુવકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે રિક્ષાચાલક અને તેના સાથી સામે ગુનો નોંધ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી
મામલો સામે આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે રિક્ષાચાલક (Ahmedabad Rickshaw Robbery) સહિત બે શખ્સોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હવે ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં, યુવકો પાસેથી લેવાયેલા પૈસા ક્યાં ગયા અને રિક્ષા તથા આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.
બહારગામથી અમદાવાદ આવતા મુસાફરોને રિક્ષા (Ahmedabad Rickshaw Robbery)માં બેસાડ્યા બાદ નિર્ધારિત સ્થળને બદલે અન્ય જગ્યાએ લઈ જવાના અને લૂંટવાના આક્ષેપો અગાઉ પણ સામે આવ્યા છે. આ બનાવને પગલે કાલુપુર અને આસપાસના વિસ્તારોમાં મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: મહિલાને ચાલુ રિક્ષામાં ધમકાવી ₹4.10 લાખના દાગીનાની લૂંટ
આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસના નામે APK ફાઈલનો ખેલ, ટ્રાફિક મેમોના બહાને વોટ્સએપ હેક કરી લાખોની લૂંટ
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં કારની ડેકીમાં રાખેલ રૂપિયા 18 લાખની લૂંટ
