Surat News: સુરતના કાપડ ઉદ્યોગ માટે દિવાળી પહેલાં જ ચિંતાજનક (Surat Textile Industry) સ્થિતિ ઊભી થઈ છે. કાપડ પ્રોસેસિંગમાં મોટા પ્રમાણમાં વપરાતા કોલસાના ભાવમાં અચાનક 45થી 50 ટકાનો તોતિંગ વધારો થતાં પ્રોસેસિંગ મિલોના ખર્ચમાં મોટો વધારો થયો છે. કોલસા ઉપરાંત ડાઈઝ અને કેમિકલના ભાવમાં પણ વધારો થતાં હવે કાપડના પ્રોસેસિંગ ખર્ચમાં વધારો કરવાની તૈયારી શરૂ થઈ છે. પરિણામે આગામી તહેવારોમાં ગ્રાહકોને કાપડ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે
કોલસો મોંઘો થતાં પ્રોસેસિંગ ખર્ચ વધ્યો
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કોલસાના ભાવમાં 10થી 15 ટકા જેટલો વધારો થતો હોય છે. જોકે, આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ કોલસાના ભાવમાં 45થી 50 ટકા સુધીનો (Coal Price Hike) વધારો જોવા મળ્યો છે.
એકથી દોઢ મહિના પહેલાં જે કોલસો આશરે રૂ.6,000 પ્રતિ ટનના ભાવે મળતો હતો, તેનો ભાવ હવે વધીને રૂ.8,500થી રૂ.10,000 પ્રતિ ટન સુધી પહોંચી ગયો છે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાના ભાવ રૂ.12,000થી રૂ.13,000 પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે. એટલે પ્રતિ ટન કોલસા પાછળ મિલ સંચાલકોને આશરે રૂ.4,000થી રૂ.6,000 સુધીનો વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે.
Surat Textile Industry: સુરતની 425 પ્રોસેસિંગ મિલો પર સીધી અસર
સુરતમાં અંદાજે 425 ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલો (Surat Processing Mills) કાર્યરત છે. એક મિલમાં દરરોજ સરેરાશ 30થી 50 ટન સુધી કોલસાનો ઉપયોગ થતો હોવાનું ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલસાના ભાવમાં થયેલો મોટો વધારો મિલોના દૈનિક પ્રોડક્શન બજેટને સીધી અસર કરી રહ્યો છે. કોલસાની કિંમતમાં વધારો થતાં મિલોને ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દિવાળી પહેલાં કાપડના વેપારમાં તેજી આવવાની અપેક્ષા હોય છે ત્યારે ખર્ચ વધતા ઉદ્યોગકારોની ચિંતા વધી છે.
ચોમાસા દરમિયાન કોલસામાં ભેજ અને પાણીનું વજન વધવાની સમસ્યા પણ સામે આવી રહી છે. વરસાદને કારણે કોલસામાં અંદાજે 5થી 15 ટકા સુધી ભેજ અને પાણીનું વજન આવતું હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. આના કારણે એક તરફ કોલસો મોંઘો થયો છે અને બીજી તરફ ખરીદવામાં આવતા જથ્થામાં ભેજનું પ્રમાણ વધવાથી વજન અને ગુણવત્તા બંને બાબતે મિલોને નુકસાન થઈ રહ્યું છે.
ડાઈઝ અને કેમિકલના ભાવમાં પણ વધારો
માત્ર કોલસો જ નહીં, પરંતુ કાપડને રંગવા અને પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા ડાઈઝ તથા કેમિકલ્સના ભાવમાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાની અસર કેમિકલ્સના ખર્ચ પર પડી રહી છે. કોલસા અને કેમિકલ બંને મોંઘા થતાં કાપડના પ્રોસેસિંગનો કુલ ખર્ચ વધ્યો છે. આ વધારાનો બોજ અંતે કાપડના જોબચાર્જ અને ત્યારબાદ તૈયાર કાપડના ભાવ પર પડે તેવી શક્યતા છે.
પ્રતિ મીટર રૂ.2થી રૂ.3 જોબચાર્જ વધારવાની તૈયારી
વધતા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે સુરતની પ્રોસેસિંગ મિલો હવે પ્રતિ મીટર કાપડના જોબચાર્જમાં રૂ.2થી રૂ.3 સુધીનો વધારો કરવાની ગણતરી કરી રહી છે. જોકે, અંતિમ નિર્ણય માટે ઉદ્યોગકારો વચ્ચે ચર્ચા થવાની છે. આગામી 27 ઓગસ્ટે મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં પ્રોસેસિંગ મિલોના ખર્ચ અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને મિનિમમ કેટલો જોબચાર્જ વધારવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.
દિવાળી પહેલાં કાપડ મોંઘું થવાની શક્યતા

દિવાળી અને તહેવારોની સીઝન દરમિયાન કાપડની માંગ સામાન્ય (Diwali Textile Prices) રીતે વધતી હોય છે. પરંતુ આ વખતે તહેવારો પહેલાં જ પ્રોસેસિંગ ખર્ચમાં વધારો થયો છે. જો જોબચાર્જમાં વધારો કરવામાં આવે તો તેની અસર કાપડની આગળની સપ્લાય ચેઇન પર પડી શકે છે. અર્થાત્, પ્રોસેસિંગ મિલો દ્વારા વધારવામાં આવતો ખર્ચ વેપારીઓ અને અન્ય કાપડ વ્યવસાયીઓ સુધી પહોંચ્યા બાદ અંતે ગ્રાહકો સુધી પણ પહોંચી શકે છે. જેના કારણે દિવાળી પહેલાં કાપડના ભાવમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે.
ઉદ્યોગકારોમાં ચિંતા
જીતુ વખારિયાના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે દિવાળી પહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી અને ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. જોકે, હાલમાં ઉત્પાદન ખર્ચમાં સતત વધારો અને બજારની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગકારોમાં ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં આ વખતે સામાન્ય કરતાં અનેકગણો વધારો થયો છે અને સાથે ડાઈઝ તથા કેમિકલ્સ પણ મોંઘા થયા છે. આવી સ્થિતિમાં મિલોને ટકાવી રાખવા માટે યોગ્ય જોબચાર્જ નક્કી કરવો જરૂરી બન્યો છે.
‘મિલો સર્વાઇવ થઈ શકે તે માટે નિર્ણય જરૂરી’

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, “દર ચોમાસામાં કોલસાના ભાવ 10થી 15 ટકા વધતા હોય છે, પરંતુ આ વખતે સીઝનની શરૂઆતમાં જ ભાવ 45થી 50 ટકા વધી ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ વધતાં ડાઈઝ-કેમિકલ પણ મોંઘા થયા છે. અત્યારે વેપારમાં દિવાળી જેવો તેજી અને ખુશાલીનો માહોલ હોવો જોઈએ તે નથી. સુરતના કાપડ ઉદ્યોગની દિવાળી ન બગડે અને મિલો સર્વાઇવ થઈ શકે તે માટે અમે 27 તારીખે બેઠક કરી મિનિમમ જોબચાર્જ વધારવા અંગે નિર્ણય લઈશું. જરૂર પડ્યે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે.”
હવે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગની નજર 27 ઓગસ્ટે યોજાનારી બેઠક પર છે. જો પ્રોસેસિંગ મિલો જોબચાર્જ વધારવાનો નિર્ણય લે છે, તો તેની અસર સુરતના કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન પર જોવા મળી શકે છે. ખાસ કરીને દિવાળી જેવા મોટા તહેવારની સીઝન નજીક હોવાથી કાપડના ભાવમાં વધારો થાય છે કે નહીં, તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 17 જિલ્લામાં વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા-જામનગરમાં પાક સુકાતા ખેડૂતો પર સંકટ
આ પણ વાંચો: મંદિરના શેડમાં 30 બાળકોનું શિક્ષણ! ‘મંતવ્ય ન્યૂઝ’ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ થશે? DEOનો સરકારને રિપોર્ટ, 100% ગ્રાન્ટ કાપની ભલામણ
