ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી બાદ હવે ગુજરાતનાં અમુક શહેરોમાં વરસાદના ઝાપટા પડ્યાં છે. ભૌગોલિક દ્રસ્તીએ જો વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ગુજરાતની તુલનામાં વધારે જોવા મળ્યું છે.

જુનાગઢ, અમરેલી, તળાજા, અલંગ, ત્રાપજ, સુરેન્દ્રનગર, નવસારી અને સુરતમાં વરસાદના ઝાપટા પડી ચુક્યા છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો, જયારે ગરમીનો પારો ઘટ્યો હતો.
રાજકોટ અને ગોંડલમાં ઘનઘોર વાદળોએ આકાશને ઢાંકી દીધું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ વરસવા લાગ્યો હતો. જયારે જૂનાગઢમાં પણ ધીમી ધારે વરસાદનાં ઝપટા પડ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરનાં કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો..તો સાયલા તાલુકામાં ધાધલપુરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સમગ્ર ઝાલાવાડ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જયારે ચોટિલા અને સાયલા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે.

તો આ તરફ નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો હતો. તો કેટલાક વિસ્તારમાં તો ધૂળની ડમરી ઉડાડતા ભારે પવાનો સાથે જોરદાર વરસાદનાં ઝાપટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી અને બફારાનો અહેસાસ કરી રહેલા સુરતના શહેરીજનોને વહેલી સવારે ઠંડકનો અનુભવ થયો હતો. સવારે આકાશમાં ચડી આવેલા કાળાડિબાંગ વાદળોમાંથી મેઘરાજાએ ઓલપાડ, કીમ અને સુરતના અમુક વિસ્તારોમાં અમીછાંટણા કર્યા હતાં. જેથી વાતાવરણ આહલાદક બનવાની સાથે રસ્તાઓ ભીના થઈ ગયાં હતાં.
