Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School) સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભર્યાં છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી હોવા છતાં રેકોર્ડમાં વધુ હાજરી દર્શાવાતી હોવાના આક્ષેપો તેમજ શિક્ષકો પર ખોટી હાજરી પૂરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં શાળાની કામગીરી અંગે ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનો શિક્ષણ વિભાગનો દાવો છે. આ મામલે શાળાને એકથી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી. સંતોષકારક જવાબ ન મળતાં હવે શાળાની માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટમાં કાપ મૂકવાની કાર્યવાહી માટે DEO કચેરીએ વડી કચેરીને રિપોર્ટ મોકલ્યો છે.
Ahmedabad Natraj School: સરપ્રાઈઝ ચેકિંગમાં 50 ટકા જેટલી હાજરી ઓછી મળી
અમદાવાદમાં ડમી સ્કૂલો અને શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન ઓઢવની નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School) પણ તપાસના દાયરામાં આવી હતી. DEOની ટીમે કરેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી અને શાળાના રેકોર્ડમાં દર્શાવાતી હાજરી વચ્ચે વિસંગતતા જોવા મળી હોવાનો અહેવાલ છે.
શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે ત્રણ વખત કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન પણ વિદ્યાર્થીઓની હાજરી આશરે 50 ટકા જેટલી ઓછી મળી હતી. કેટલાક કિસ્સામાં રેકોર્ડમાં હાજર દર્શાવવામાં આવેલા વિદ્યાર્થીઓ શાળામાં વાસ્તવમાં હાજર ન હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. ચાલુ વર્ષે ફરી તપાસ કરવામાં આવતા પણ વિદ્યાર્થીઓની હાજરી આશરે 50 ટકા જ જોવા મળી હતી.
શિક્ષકો પર ખોટી હાજરી પૂરવાનું દબાણ કરાતું હોવાનો આક્ષેપ
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હોવા છતાં ઓનલાઈન સિસ્ટમમાં તેમની હાજરી દર્શાવવા માટે શિક્ષકો પર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ શિક્ષકો તરફથી જ કરવામાં આવી હતી. શાળા સંચાલન સામે શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદના આધારે શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
11 વર્ગો તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી
વારંવારની તપાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ગંભીર ઘટાડો જોવા મળતાં નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School)ના આશરે 11 વર્ગો તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાએ આ અંગે કમિશનર ઓફ સ્કૂલ્સ સમક્ષ દરખાસ્ત કરી હોવાનું જણાવાયું છે. જોકે, આ દરખાસ્ત અંગે હજુ સુધી અંતિમ નિર્ણય આવ્યો નથી. DEO કચેરી દ્વારા હવે શાળાની કામગીરી અને વિદ્યાર્થીઓની હાજરી અંગેના સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને વડી કચેરી સમક્ષ વધુ કડક કાર્યવાહી માટે ભલામણ કરવામાં આવી છે.
શિક્ષકોના સેવા વિષયક લાભોની ફાઈલો પણ અટકાવ્યાનો આક્ષેપ
નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School) સામે માત્ર હાજરીનો મુદ્દો જ નહીં પરંતુ શિક્ષકોના સેવા વિષયક લાભો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, કેટલાક શિક્ષકોના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ મળવાપાત્ર પગાર સંબંધિત હુકમો તેમજ નવ વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ જેવી સેવા સંબંધિત પ્રક્રિયાઓ સમયસર કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. શાળા તરફથી શિક્ષકોની ફાઈલો અટકાવી રાખવામાં આવી હોવાનું અને શિક્ષકો સામે કાર્યવાહી કરવાની છે તેવું કારણ આપવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.
ત્રણ વખત નોટિસ છતાં સંતોષકારક જવાબ નહીં
શાળાની કામગીરી અંગે શિક્ષણ વિભાગે નોટિસ આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શાળાને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં યોગ્ય અને સંતોષકારક જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, સેવા વિષયક લાભો શા માટે અટકાવવામાં આવ્યા હતા તે અંગે આધાર-પુરાવા સાથે સ્પષ્ટ જવાબ રજૂ કરવા માટે પણ શાળાને સૂચના આપવામાં આવી છે.
માન્યતા રદ અને 100 ટકા ગ્રાન્ટ કાપની ભલામણ
તપાસમાં સામે આવેલી બાબતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School)ની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવા માટે સરકારની વડી કચેરીને રિપોર્ટ મોકલ્યો છે. સાથે જ શાળાને મળતી ગ્રાન્ટમાં 100 ટકા કાપ મૂકવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે શાળાની કામગીરીને ગંભીરતાથી લીધી હોવાનું અધિકારીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. હાલ સમગ્ર મામલે બંને પક્ષની રજૂઆતો સાંભળવામાં આવી છે. હવે વડી કચેરી દ્વારા રજૂઆતો, તપાસ રિપોર્ટ અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.
શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શું કહ્યું?
DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School)માં ગયા વર્ષે ત્રણ વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દરેક વખતે વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે કરવામાં આવેલા ચેકિંગમાં પણ સ્થિતિમાં ખાસ સુધારો ન હોવાનું સામે આવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, શાળાને વારંવાર નોટિસ આપવામાં આવી હતી અને શિક્ષકોના સેવા સંબંધિત લાભો સમયસર આપવા માટે પણ સૂચના અપાઈ છે. પ્રથમ દૃષ્ટિએ શાળાની બેદરકારી સામે આવી હોવાથી માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટ કાપ અંગેનો રિપોર્ટ વડી કચેરીને મોકલવામાં આવ્યો છે. હવે વડી કચેરીના નિર્ણય બાદ નટરાજ સ્કૂલ (Ahmedabad Natraj School) સામે અંતિમ કાર્યવાહી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો
આ પણ વાંચો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
