કચ્છ/ કચ્છમાં રણોત્સવ શરૂ થતા અહીંના પ્રખ્યાત મીઠા માવાનું વેચાણ વધ્યું

સફેદ રણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે.

Gujarat Others Trending

બન્ની વિસ્તારના ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા આ મીઠો માવો બનાવવામાં આવે છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રણોત્સવ સ્થાનિકો માટે આર્થિક લહેર બનીને આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કોરોના ને કારણે આ માવાનું વેચાણ લગભગ નહિવત બન્યું હતું. પરંતુ આ વર્ષે રણોત્સવ નું આયોજન થતાં સ્થાનિક વેપારીઓ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  દરરોજ 300થી 400 કિલો મીઠા માવાનું વેંચાણ થઈ રહ્યું છે.

કેવી રીતે બને છે મીઠો માવો 

કચ્છી મીઠો માવો બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે. સાથે સાથે તેમાં ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ આ મિશ્રણને 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટ વાળો દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય છે કે માવો દરેક જગ્યાએ બનતો હોય છે પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

After a gap of two years, Ranotsav became an economic boom for the locals,  selling milk powder at record levels. | બે વર્ષના અંતરાળ બાદ રણોત્સવ  સ્થાનિકો માટે આર્થિક લહેર બનીને આવ્યો,

માવાની કિંમત 
ભીરંડીયારામાં 20 જેટલા વેપારીઓ માવો વેંચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15થી 20 કિલો માવાનું વેંચાણ કરે છે. તેમજ દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થાય છે. માવાની કિંમત જાણીએ તો, સાદો માવો 300થી 350 રૂપિયે કિલો અને ડ્રાયફ્રુટ માવો 400થી 450 રૂપિયે કિલો વેંચાઈ છે. માવો વેચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે.

1મી નવેમ્બરથી રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે અને દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદ રણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે.