Morbi News : મોરબી (Morbi) જિલ્લાના જેતપર ગામમાં વીજ કંપની અને ખેડૂતો (Farmers) વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીની કામગીરીથી તેમને આર્થિક નુકસાન થયું છે, છતાં યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી.
ખેડૂતો (Farmers)નું કહેવું છે કે જ્યાં સુધી વળતર અંગેનો પ્રશ્ન સંતોષકારક રીતે ઉકેલવામાં નહીં આવે, ત્યાં સુધી કંપનીને ગામ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. આ મુદ્દે ગ્રામજનો અને ખેડૂતો હવે આરપારની લડત લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આંદોલનના ભાગરૂપે જેતપર ગામથી મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે રેલીમાં જોડાયા હતા. રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓ રજૂ કરતું આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન ખેડૂતો (Farmers)દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ વહીવટી તંત્ર સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ખેડૂતો દ્વારા કચ્છ-અમદાવાદ હાઈવે પર અણીયારી ટોલનાકા નજીક ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. વિરોધ દરમિયાન કેટલીક જગ્યાએ પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ ખેડૂતો (Farmers)ના આંદોલનને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે અને હવે વહીવટી તંત્ર તથા વીજ કંપની દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
