Anand News/ આણંદમાં બે મહિલા પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાઈ

ફરિયાદી લાંચ (Bribe) આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી

Gujarat Others
આણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા બુધવારે સફળ ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા કર્મચારીઓને રૂ.1.10 લાખની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે

Anand News : આણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા બુધવારે સફળ ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા કર્મચારીઓને રૂ.1.10 લાખની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, મહિલા પોલીસ સ્ટેશન આણંદમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા (ઉ.વ. 51) અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા (ઉ.વ. 47) સામે ACBએ કાર્યવાહી કરી છે.

આરોપી મહિલા ASIએ રૂ.1.10 લાખની લાંચ (Bribe)ની માંગણી કરી હતી

ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ ચાલી રહી હતી. આ અરજીમાં ફરિયાદી તથા તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ આરોપી મહિલા ASIએ રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી.

આ અરજીની તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવતી હોવાના કારણે બંને આરોપીઓની સંડોવણી સામે આવી હતી. ફરિયાદી લાંચ (Bribe) આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBએ આણંદ રેલવે સ્ટેશન નજીક રેલવે ગોદી વિસ્તારમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન મહિલા ASIએ ફરિયાદી પાસેથી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ACBએ લાંચની સંપૂર્ણ રૂ.1.10 લાખની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી લાંચની રકમ સ્વીકાર્યાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર સામેના સવાલો ઉભા કર્યા છે, જ્યારે ACBની કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક સંદેશો ગયો છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા