વર્ષ 2020 દરમિયાન ખેડા પાસેના સ્વામિનારાયણ આશ્રમમાંથી 50 લાખ જેટલી માતબર રકમની 2000 ની નકલી નોટનો જથ્થો દેશની તપાસ એજન્સી NIAએ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલામાં આશ્રમના સ્વામી રાજારામ પાટીલનો હાથ હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા NIAએની ટીમે સ્વામીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ સ્વામીને તેમના અંગત કારણસર ગુજરાતની બહાર જવાની જરૂર પડી હોવાથી તેમની તરફથી સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં 30 દિવસની વચગાળાની જામીન અરજી કરવામાં આવી હતી. જે મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા NIA તરફથી હાજર થયેલા વકીલ એમ.જી કાપડિયાએ બચાવ પક્ષ તરફથી રજૂ થયેલી જામીન અરજીને નામંજૂર કરવા માટેની દલીલો કોર્ટની સમક્ષ કરી હતી એટલુંજ નહિ આરોપીને જામીન ન મળે તે માટેના ચોક્કસ સરકારી પુરાવાને પણ કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્પેશિયલ NIA ની કોર્ટના સિનિયર જજ એન.કે બક્ષીએ બચાવ પક્ષ અને NIA ના વકીલની દલીલો સાભળ્યા બાદ કેસને લાગતા પુરાવાને જોયા બાદ આરોપી રાજારામ સ્વામીના વચગાળાની જામીન અરજીને ફગાવી હતી.
