Ahemdabad News: અમદાવાદમાં વધુ ફી વસૂલતી શાળાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેમાં વધુ એક જાણીતી સ્કૂલ સકંજામાં આવી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી આનંદ નિકેતન સ્કૂલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આનંદ નિકેતન સ્કૂલ સામે DEOની કાર્યવાહી (Action against Anand Niketan School)
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ વિરુદ્ધ વાલીઓની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં શાળા નિયત કરતા વધારે ફી વસુલતી હોવાનું સામે આવ્યું હતું જેથી નિયમોનું પાલન ન કરવા બદલ શાળાને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
શા માટે થઈ કાર્યવાહી?
શાળાદ્વારા ફી નિયમન સમિતિ (FRC) દ્વારા મંજૂર કરાયેલા ફીના ઓર્ડરને પોતાની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યો ન હતો. FRCના નિયમ મુજબ દરેક શાળાએ વાલીઓની જાણકારી માટે મંજૂર થયેલું ફી માળખું વેબસાઈટ પર જાહેર કરવું ફરજિયાત છે, જેમાં આ સ્કૂલની બેદરકારી સામે આવી હતી. શાળા દ્વારા વધુ પડતી ફી લેવા મામલે વાલીઓએ કરેલી સત્તાવાર ફરિયાદના આધારે શિક્ષણ વિભાગે આ આકરું પગલું ભર્યું છે, જેનાથી નિયમોનું ઉલ્લંઘન કરતી અન્ય શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
