Gujarat News: ગુજરાતમાં ચોમાસું શરૂ થયાને 63 દિવસ વીતી ગયા છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની અછત હવે ખેડૂતો (Rainfall Deficit Gujarat) માટે ચિંતાનો વિષય બની રહી છે. એક તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં વાદળો દેખાય છે પરંતુ પૂરતો વરસાદ વરસતો નથી. રાજ્યના 17 જિલ્લામાં હજુ 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સ્થિતિ ચિંતાજનક બની છે.
ખેતરોમાં ઉભા પાકને પાણીની જરૂર છે, પરંતુ વરસાદ (Gujarat Monsoon) ખેંચાઈ જતાં પાક મૂરઝાવા લાગ્યો છે. અનેક જગ્યાએ કૂવા પણ તળિયાઝાટક થઈ રહ્યા છે. ખેડૂતો પોતાની સ્થિતિ જણાવતા ભાવુક થઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ખેતી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે પાક હાથમાં આવે તેવી સ્થિતિ દેખાતી નથી અને આર્થિક મુશ્કેલી વધતી જાય છે.
Rainfall Deficit Gujarat: દેવભૂમિ દ્વારકામાં સૌથી ગંભીર સ્થિતિ
ગુજરાતમાં વરસાદની અછતની સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે. જિલ્લામાં સમગ્ર સિઝન દરમિયાન માત્ર આશરે 2 ઈંચ જેટલો વરસાદ (Devbhumi Dwarka Rainfall) નોંધાયો છે. સરેરાશ વરસાદની સરખામણીએ અહીં 87 ટકા સુધીની ઘટ હોવાનું જણાવાયું છે. વરસાદની અછતના કારણે જિલ્લામાં ખેતી પર સીધી અસર પડી છે. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ હવે પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે ત્યારે વરસાદ ન પડતાં મુશ્કેલી વધી છે. અહીંના ડેમોમાં માત્ર આશરે અડધો ટકા જેટલો જળસંગ્રહ હોવાનું જણાવાયું છે. આ સ્થિતિમાં વરસાદ ન પડે તો આગામી દિવસોમાં જિલ્લાના લોકો માટે પાણીનો પ્રશ્ન ગંભીર બની શકે છે. બંને જિલ્લાની મોટી વસ્તી માટે ભૂગર્ભ જળ અને નર્મદા આધારિત પાણી વ્યવસ્થા મહત્વપૂર્ણ બની શકે છે.
મહિલા ખેડૂત આપવીતી જણાવતા રડી પડ્યા
ખેડૂતોની સ્થિતિ જાણવા પહોંચેલા લોકો સમક્ષ મહિલા ખેડૂતોએ પોતાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. પાકની હાલત, ખેતી પાછળ થયેલો ખર્ચ અને આગળના દિવસોની ચિંતાની વાત કરતા કેટલીક મહિલા ખેડૂતો ભાવુક થઈ રડી પડ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ નહીં આવે તો ખેતીમાંથી આવક થવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં ઘર ચલાવવાની સાથે પશુઓ માટે ઘાસચારો મેળવવાની પણ ચિંતા ઊભી થઈ છે.
‘હવે ઉધારમાં પણ માલ આપતા નથી’
વરસાદની અછતની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પણ પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ખેતીમાં ઉત્પાદન થશે કે નહીં તેની અનિશ્ચિતતા હોવાથી હવે કેટલાક લોકો ઉધાર માલ આપવા પણ તૈયાર નથી. ખેડૂતો માટે આ સ્થિતિ માત્ર પાકના નુકસાન પૂરતી મર્યાદિત નથી. જો વરસાદ નહીં પડે તો આગામી સમયમાં તેમની આવક પર સીધી અસર પડી શકે છે અને તેની અસર સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર પર જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં મગફળી સહિતના પાકનું ઉત્પાદન મહત્વનું છે. જો વરસાદની અછતના કારણે પાકને નુકસાન થાય અને ઉત્પાદનમાં ઘટાડો આવે તો તેની અસર બજાર પર પણ પડી શકે છે. ખાસ કરીને મગફળીનું ઉત્પાદન ઘટે તો તેલ સહિતના કેટલાક ખાદ્ય પદાર્થોના ભાવ પર પણ તેની અસર થવાની શક્યતા છે.
જામનગરમાં પણ વરસાદની મોટી ઘટ

દેવભૂમિ દ્વારકા બાદ જામનગરમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક (Jamnagar Rainfall) હોવાનું સામે આવ્યું છે. ઓછા વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં જળસંગ્રહનું પ્રમાણ ઘણું ઓછું છે. જામનગરના ડેમોમાં આશરે 6.85 ટકા જેટલો જળસંગ્રહ હોવાનું જણાવાયું છે. વરસાદ નહીં આવે તો આગામી સમયમાં પીવાના પાણી સહિતની જરૂરિયાતોને પહોંચી વળવા મુશ્કેલી ઊભી થવાની ભીતિ છે.
દેવભૂમિ દ્વારકામાં ઓછા વરસાદની સીધી અસર જળાશયો પર પણ પડી છે. અહીંના ડેમોમાં માત્ર આશરે અડધો ટકા જેટલો જળસંગ્રહ હોવાનું જણાવાયું છે. આ સ્થિતિમાં વરસાદ ન પડે તો આગામી દિવસોમાં જિલ્લાના લોકો માટે પાણીનો પ્રશ્ન ગંભીર બની શકે છે. બંને જિલ્લાની મોટી વસ્તી માટે ભૂગર્ભ જળ અને નર્મદા આધારિત પાણી વ્યવસ્થા મહત્વપૂર્ણ બની શકે છે.
ગુજરાતમાં ક્યાંક જળબંબાકાર તો ક્યાંક વરસાદની રાહ
ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતાં 30થી 60 ટકા સુધી વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે.
વલસાડમાં 108 ઈંચ, દ્વારકામાં 108 મિમી પણ નહીં
રાજ્યમાં વરસાદના આ વિરોધાભાસને એક આંકડો ખૂબ સારી રીતે દર્શાવે છે. આ સિઝનમાં વલસાડમાં આશરે 108 ઈંચ વરસાદ નોંધાયો છે. તેની સામે દેવભૂમિ દ્વારકામાં 108 મિમી પણ વરસાદ થયો નથી. એક જ રાજ્યમાં એક તરફ અતિશય વરસાદ અને બીજી તરફ વરસાદની ગંભીર અછત જોવા મળતાં ખેતી અને પાણી વ્યવસ્થાને લઈને અલગ-અલગ પડકારો ઊભા થયા છે.
રાજ્યના 207 જળાશયોમાં 73.43 ટકા જળસંગ્રહ
રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં આશરે 73.43 ટકા જળસંગ્રહ થયો હોવાનું જણાવાયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કારણે રાજ્યના કુલ જળસંગ્રહના આંકડાને મજબૂતી મળી છે. નર્મદા ડેમમાં પણ આશરે 85 ટકા જળસંગ્રહ થયો હોવાનું જણાવાયું છે. ચોમાસાના હજુ કેટલાક દિવસો બાકી હોવાથી જો રાજ્યના બાકીના વિસ્તારોમાં સારો વરસાદ થાય તો જળસંગ્રહમાં વધુ વધારો થવાની આશા છે.

7 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી
વરસાદની અછત વચ્ચે ખેડૂતોને પાક બચાવવામાં મદદરૂપ થવા માટે સરકારે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠો વધારવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોને પાક બચાવવા માટે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે અન્ય જિલ્લાઓમાં પણ આ લાભ આપવામાં આવી શકે છે.
સૌની અને સુજલામ-સુફલામ યોજનાથી પાણી આપવાનો પ્રયાસ
સરકારના જણાવ્યા પ્રમાણે વરસાદની અછતના કારણે ઉભા પાક સુકાઈ ન જાય તે માટે સૌની યોજના અને સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત મહી કમાન્ડ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કડાણા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આગામી દિવસો મહત્વના
હાલ ગુજરાતમાં ચોમાસું બાકી હોવાથી આગામી દિવસોમાં વરસાદ કેવી રીતે રહે છે તેના પર ખેડૂતોની આશા ટકેલી છે. જો વરસાદ ખેંચાય તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાક, પશુઓના ઘાસચારા અને પીવાના પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસાદની અછત અને ઓછા જળસંગ્રહને કારણે લોકોની ચિંતા વધી છે. હવે આગામી દિવસોમાં મેઘરાજા મહેર કરે છે કે નહીં તેના પર ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા વચ્ચે ઉકળાટ વધશે, ભારે વરસાદની શક્યતા નહિવત
આ પણ વાંચો: ભરૂચના ધોળીકુઈમાં હિટ એન્ડ રન: કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ
આ પણ વાંચો: ST બસ બની કાળ! ભાવનગરમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને કચડી, બંનેનાં મોત
